રિલાયન્સે ૪૨,૦૦૦ જેટલા કર્મચારીને છૂટા કર્યા છે, પણ કેમ ક્યાંય એની ચર્ચા નથી થતી?
અનુપમ મિત્તલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ તાજેતરમાં ૪૨,૦૦૦ એટલે કે ૧૧ ટકા કર્મચારીને નોકરીમાંથી છૂટા કર્યા છે, પરંતુ આ સંદર્ભે ક્યાંય કોઈ ચર્ચા કે વાત ન થતાં શાદી ડૉટકૉમના સંસ્થાપક અને શાર્ક અનુપમ મિત્તલે તાજેતરમાં ‘ઍક્સ’ પર આ મુદ્દો છંછેડ્યો છે. તેમણે પોસ્ટમાં મીડિયાને પણ સવાલ પૂછ્યો છે કે આ સંદર્ભે ક્યાંય કોઈ સમાચાર કેમ નથી? મિત્તલે લખ્યું છે કે ‘42k? આ સમાચાર વિશે મૌન કેમ? આર્થિક અને રાજકીય વર્તુળોમાં ગંભીર ખતરાનો અલાર્મ વાગવો જોઈએ.’ તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગયા વર્ષ કરતાં ૨૦૨૩-’૨૪ના નાણાકીય વર્ષમાં ૪૨,૦૦૦ કર્મચારીને છૂટા કર્યા હતા. આ કૉસ્ટ અફિશ્યન્સી ડ્રાઇવ હોવાનું કહેવાયું છે. વર્ષ ૨૦૨૩-’૨૪માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કુલ ૩,૪૭,૦૦૦ કર્મચારી હતા, જ્યારે ૨૦૨૨-’૨૩માં ૩,૮૯,૦૦૦ કર્મચારી હતા. કંપનીના વાર્ષિક અહેવાલ પ્રમાણે ૧,૭૦,૦૦૦ નવા કર્મચારીની ભરતી કરવામાં આવી છે અને એ પણ એક તૃતીયાંશ કરતાં ઓછી છે. ૨૦૨૩-’૨૪માં રિલાયન્સના રીટેલ ડિવિઝનમાં ૨,૦૭,૦૦૦ લોકોને નોકરી અપાઈ હતી જે ગયા વર્ષના ૨,૪૫,૦૦૦ કરતાં વધુ છે અને કંપનીની વર્કફોર્સ ૬૦ ટકા છે.

