ભારતને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યાં, શપથગ્રહણ સમારોહ ૨૫ જુલાઈએ યોજાશે : મુર્મુને કુલ માન્ય મતોના ૬૪ ટકાથી વધારે મત મળ્યા
અમ્રિતસર જિલ્લામાં ગઈ કાલે દ્રૌપદી મુર્મુના પેઇન્ટિંગને ફિનિશિંગ ટચ આપી રહેલો આર્ટિસ્ટ જગજોત સિંહ રૂબલ
ભારતને દ્રૌપદી મુર્મુ સ્વરૂપે પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યાં છે. વિપક્ષોના ઉમેદવાર યશવંત સિંહાએ ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં પહેલાં જ હાર સ્વીકારી લીધી હતી. શપથગ્રહણ સમારોહ ૨૫ જુલાઈએ યોજાશે. મુર્મુએ કુલ માન્ય મતોના ૬૪ ટકાથી વધારે મત મેળવ્યા છે. આ ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અને બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ મુર્મુના ઘરે જઈને તેમને અભિનંદન આપ્યાં હતાં. સમગ્ર દેશમાં બીજેપી કાર્યકરોએ ઉજવણીની શરૂઆત કરી હતી. મીઠાઈ વહેંચવામાં આવી હતી અને સાથે જ કલરફુલ આદિવાસી નૃત્ય પણ યોજાયાં હતાં. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હીમાં લોકકલાકારો સાથે ઉજવણીમાં સામેલ થયા હતા. તેમણે લોકકલાકારો સાથે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું.
સંસદભવનમાં મતગણતરીની પ્રક્રિયાની શરૂઆત સવારે ૧૧ વાગ્યાથી થઈ હતી. પહેલા રાઉન્ડ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી હતી.
ADVERTISEMENT
દિલ્હી બીજેપીએ પાર્ટીના મુખ્યાલયથી રાજપથ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસવા સરમાએ મુર્મુને અભિનંદન આપ્યાં હતાં. મુર્મુના હોમટાઉન ઓડિશાના રાઇરંગપુરમાં ટ્રેન્ડ સ્પષ્ટ થતાં ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ હતી.
દ્રૌપદી મુર્મુ ઓડિશાની સંથાલ જનજાતિનાં છે. તેઓ મૂળે આ રાજ્યની રાજધાની ભુવનેશ્વરથી ૨૮૭ કિલોમીટરના અંતરે આવેલા રાઇરંગપુર તાલુકાનાં છે. તેઓ આ પહેલાં ઉપરબેડા ગામમાં રહેતાં હતાં કે જ્યાં અત્યાર સુધી વીજકનેક્શન જ નહોતું. તેમના સ્વર્ગસ્થ પતિ શ્યામ ચરણ મુર્મુ બૅન્કમાં કામ કરતા હતા અને તેમનું એકમાત્ર હયાત સંતાન ઇતિશ્રી મુર્મુ પણ ભુવનેશ્વરની બૅન્કમાં કામ કરે છે. તેમના બે દીકરાનું ૨૦૦૯થી ૨૦૧૨ દરમ્યાન નિધન થયું હતું.
દ્રૌપદી મુર્મુએ પ્રાથમિક સ્કૂલ ટીચર તરીકે શરૂઆત કરી હતી અને થોડા જ સમયમાં સિંચાઈ વિભાગમાં જુનિયર અસિસ્ટન્ટ બન્યાં હતાં. તેઓ ૧૯૯૭માં રાઇરંગપુર મ્યુનિસિપાલિટીના મેમ્બર બન્યાં હતાં. થોડા જ સમયમાં તેઓ એના અધ્યક્ષ તરીકે ચૂંટાયાં હતાં.
૨૦૦૦માં તેઓ રાઇરંગપુરના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં અને બીજુ જનતા દળ-બીજેપીની ગઠબંધન સરકારમાં પ્રધાન બન્યાં હતાં. તેમણે ૨૦૦૫ સુધી કૉમર્સ અને ટ્રાન્સપોર્ટ અને એ પછી પશુપાલન અને મત્સ્યઉદ્યોગ મંત્રાલય સંભાળ્યું હતું. ૨૦૧૫માં આદિવાસીઓની ખાસ વસ્તી ધરાવતા ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
મજેદાર વાત એ છે કે ઇતિશ્રી મુર્મુએ ઓડિશાની ટીવી-ચૅનલ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘તેમની મમ્મી અને તેમને ફ્રેન્ડ્સ પાસેથી નોમિનેશન વિશે જાણવા મળ્યું હતું અને અમને બન્નેને આશ્ચર્ય થયું હતું. જોકે એ સમયે વીજકાપના કારણે આ ન્યુઝ કન્ફર્મ થઈ શકે એમ નહોતું.’
"૧.૩ અબજ ભારતીયો ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યા છે એવા સમયે પૂર્વીય ભારતના અંતરિયાળ વિસ્તારમાં જન્મેલી અને આદિવાસી સમાજમાંથી આવતી ભારતની દીકરી આપણાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવી છે. આ સિદ્ધિ બદલ દ્રૌપદી મુર્મુજીને અભિનંદન." : નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
યશવંત સિંહાએ મુર્મુને અભિનંદન પાઠવ્યાં
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષોના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાએ ભારતનાં નવાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યાં હતાં. સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની જીત બદલ તેમને અભિનંદન પાઠવનારાઓની સાથે હું જોડાયો છું. ભારતને આશા છે કે દેશના ૧૫મા રાષ્ટ્રપતિ ભય કે પક્ષપાત વિના બંધારણના રક્ષક તરીકે કામ કરશે.’ હાર સ્વીકારતાં સિંહાએ જણાવ્યું હતું કે ‘આ ચૂંટણીનું પરીણામ ગમે એ આવ્યું હોય, પરંતુ હું માનું છું કે એનાથી ભારતીય લોકશાહીને લાભ થયો છે. એના લીધે મોટા ભાગના વિપક્ષો એક મંચ પર આવ્યા છે.’
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ટીએમસી બાકાત રહેશે
ઉપરાષ્ટ્રપતિપદ માટેની આગામી ચૂંટણીમાંથી ટીએમસી બાકાત રહેશે, જેનું કારણ આપતાં પાર્ટીના સિનિયર નેતા અભિષેક બૅનરજીએ ગઈ કાલે જણાવ્યું હતું કે જે રીતે વિપક્ષોનો ઉમેદવાર નક્કી કરવામાંથી ટીએમસીને બાકાત રાખવામાં આવી હતી એનાથી પાર્ટી સંમત નથી. એનડીએએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની પસંદગી કરી છે. વિપક્ષે રાજસ્થાનનાં ભૂતપૂર્વ રાજ્યપાલ માર્ગરેટ આલ્વાને તેમનાં સંયુક્ત ઉમેદવાર તરીકે ઊભાં રાખવાનો નિર્ણય કર્યો છે.
6,76,803
મત દ્રૌપદી મુર્મુને મળ્યા
3,80,177
મત યશવંત સિંહાને મળ્યા