બન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમે બન્નેને ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે ઝડપી લીધા હતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ જ્વેલર્સના માલિકને બંદૂકની અણીએ રાખીને સાત લાખ રૂપિયાના ૧૭૦ ગ્રામ સોનાની લૂંટમાં એલ. ટી. માર્ગ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટના ૯ નવેમ્બરે પ્રશાંત શૉની ઘરેણાંની દુકાનમાં બની હતી. માલિકે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે મારા માથા પર બંદૂક રાખીને એક વ્યક્તિએ મને માર માર્યા બાદ સોનાની લૂંટ ચલાવી હતી. પ્રશાંત શૉએ એ જ દિવસે પોલીસ-સ્ટેશને રાજેશ રાય અને એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એલ. ટી. માર્ગ પોલીસે શોધખોળ કરીને બે વ્યક્તિને ઝડપી લીધી હતી. આરોપીની ઓળખ રાજેશ રાય તરીકે થઈ છે, જેને ૭૨ કલાકમાં બિહારના મધુબનીથી ટ્રાન્ઝિટ રિમાન્ડથી લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજેશ રાયે કબૂલ્યું હતું કે આ ગુનામાં હું એકલો સંડોવાયેલો નથી, મારી સાથે રાજુ પોલી પણ સામેલ હતો. એના આધારે પોલીસે શુક્રવારે તેની પણ પાલઘરથી ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમે બન્નેને ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે ઝડપી લીધા હતા. જોકે અમે હજી સોનું રિકવર નથી કર્યું, પણ આરોપી પાસેથી પિસ્તોલ જપ્ત કરી લઈશું. અમે સોનું ક્યાં સંતાડ્યું છે એ જગ્યા પણ ઓળખી લીધી છે અને ટૂંક સમયમાં એ જપ્ત કરીશું. બન્ને આરોપીની
કલમ ૩૯૪, ૪૫૨ અને ૩૪ હેઠળ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.’