૪ વાર ડેડલાઇન વધારી હોવા છતાં ૨૦૧૯ પછી રજિસ્ટર્ડ થયેલાં એક કરોડમાંથી ૭૩ લાખ વાહનોએ જ નવી નંબર-પ્લેટ લગાડી
પ્રતીકાત્મક તસવીર
એપ્રિલ ૨૦૧૯ પહેલાં રજિસ્ટર થયેલાં વાહનોમાં હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને અત્યાર સુધીમાં લગભગ એક કરોડ અરજી મળી હતી. એમાંથી ૭૩ લાખથી વધુ વાહનોમાં નવી સ્પેશ્યલ રજિસ્ટ્રેશન નંબર-પ્લેટ લગાડી દેવામાં આવી છે. બાકીનાં ૨૭ લાખ વાહનોમાં HSRP લગાડવાની હજી બાકી છે. આ માટેની પહેલી ડેડલાઇન ૨૦૨૫ની ૩૧ માર્ચ હતી જે ૪ વાર લંબાવ્યા પછી છેલ્લી ડેડલાઇન ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બર કરવામાં આવી હતી. જોકે ડેડલાઇન પૂરી થઈ ગયા પછી પણ ૨૭ લાખ વાહનો બાકી હોવાથી RTO હવે અમલીકરણ માટે કડક કાર્યવાહી શરૂ કરી શકે છે. એપ્રિલ ૨૦૧૯ પહેલાં રજિસ્ટર થયેલાં તમામ વાહનોમાં HSRP લગાડવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે આ ખાસ નંબર-પ્લેટ એપ્રિલ ૨૦૧૯ પછી રજિસ્ટર થયેલાં તમામ નવાં વાહનોમાં ફિટ કરવામાં આવી છે.


