મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિયાળુ સત્રના છેલ્લા દિવસે જવાબ આપતાં કહ્યું હતું કે...
ફાઇલ તસવીર
નાગપુરમાં રાજ્યની વિધાનસભાનું ૧૦ દિવસથી ચાલી રહેલું શિયાળુ સત્ર ગઈ કાલે પૂરું થયું હતું. આ સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથને નિશાના પર લેતાં કહ્યું હતું કે સત્તા માટે કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવનારાઓને બાળાસાહેબ કે શિવસેના વિશે સવાલ કરવાનો કોઈ અધિકાર હવે રહ્યો નથી. આ સમયે મુખ્ય પ્રધાને તેમના પર અને સરકાર પર કરવામાં આવેલા તમામ આરોપોના જવાબ આપ્યા હતા.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિયાળુ સત્રના છેલ્લા દિવસે જવાબ આપતાં કહ્યું હતું કે ‘પહેલી જાન્યુઆરીથી અંગ્રેજી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે એથી સૌને શુભેચ્છા. રાજ્ય સરકારે ગઈ કાલે કરેલા મહત્ત્વના નિર્ણય બાબતે વિરોધ પક્ષના નેતા અજિતદાદા સ્વાગત કરશે એવી અપેક્ષા હતી, પણ તમે મારા ભાષણમાં કેટલી તાળીઓ વાગે છે એ ગણતા હતા. તેમને ખ્યાલ પણ નહોતો એટલા મોટા નિર્ણય અમે લીધા છે. છ મહિનાની અમારી સરકારના કામની ઝડપ બધા જોઈ રહ્યા છે. બે કરોડથી વધુ સિનિયર સિટિઝનોએ એસ.ટી.માં ફ્રી પ્રવાસ કર્યો છે. અઢી વર્ષમાં તમે વિદર્ભ માટે કયો નિર્ણય કર્યો હતો? અહીંના ખેડૂતો સારી કારમાં ફરવા જોઈએ, ફ્લાઇટમાં ફરવા જોઈએ આથી તાલુકા સ્તરે હેલિપૅડ શરૂ કરી રહ્યા છીએ. તમારી સરકારમાં મુખ્ય પ્રધાન ઘરની બહાર નીકળ્યા હોય એવું જણાવો. અમે અત્યાર સુધીમાં ૭૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. એમાંથી ૪૦ હજાર કરોડ માત્ર વિદર્ભ માટેના છે. તમે અઢી વર્ષમાં એક પણ પ્રોજેક્ટને માન્યતા નહોતી આપી, જ્યારે અમે ૧૮ યોજનાને માન્યતા આપી છે. રેશિમબાગમાં બાળાસાહેબના વિચારનું કામ કરવું છે એટલે ગયો હતો. બાળાસાહેબની શિવસેના અમે જ છીએ, જે રસ્તામાં ઊતરીને કામ કરી રહી છે. તમે સત્તા મેળવવા માટે કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવ્યા તે દિવસથી તમારામાં બાળાસાહેબના વિચાર ખતમ થઈ ગયા. મહાપુરુષોના અપમાન બાબતે તમે અમારી ટીકા કરી, પણ શિવાજી મહારાજના વંશજો પાસે પુરાવા કોણે માગ્યા? મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેનાં તૈલચિત્રો તમે લાવી નથી શક્યા, અમે લગાવ્યાં. અરે, બાળાસાહેબ ઠાકરેનું તૈલચિત્ર પણ અમે જ લગાવ્યું.’
ADVERTISEMENT
વરુણ સરદેસાઈએ કૌભાંડ કર્યું?
ચારકોપના ગુજરાતી વિધાનસભ્ય યોગેશ સાગરે ગઈ કાલે વિધાનસભામાં યુવાસેનાના નેતા વરુણ સરદેસાઈએ નોકરી આપવાના નામે કૌભાંડ કર્યું હોવાનો આરોપ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. યોગેશ સાગરે વિધાનસભામાં કહ્યું હતું કે ‘હિન્દુસ્તાન સ્કાઉટ ઍન્ડ ગાઇડ્સ નામની સંસ્થા સરકારી હોવાનું કહીને યુવાનોને આ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ સ્કૂલોમાં સ્કાઉટ ઍન્ડ ગાઇડના શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવશે એવું આશ્વાસન આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. આ માટે યુવાનો પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. વરુણ સરદેસાઈ આ સંસ્થાના અધ્યક્ષ છે. તેમણે ચંદ્રપુરમાં એક સ્કૂલમાં પ્રશિક્ષણનાં સર્ટિફિકેટ આપ્યાં હતાં. જોકે જ્યારે યુવાનો આ સર્ટિફિકેટ સાથે સ્કૂલમાં જૉબ માટે ગયા હતા ત્યારે સ્કૂલે આ સંસ્થાનો હિન્દુસ્તાન સ્કાઉટ ઍન્ડ ગાઇડ્સ સાથે કોઈ સંબંધ ન હોવાનું કહીને યુવાનોને કામ પર રાખવાની ના પાડી દીધી હતી. ૨૦૧૯માં છેતરાયેલા યુવાનો ફરિયાદ લઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. બાદમાં સંસ્થાના કર્મચારીઓએ યુવાનોને કહ્યું હતું કે તમે મુખ્ય પ્રધાન પાસે ગયા હતા એટલે તમને રૂપિયા પાછા નહીં મળે, જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ મામલે તપાસ થવી જોઈએ.’ યોગેશ સાગરે આ સંબંધે વિધાનસભામાં એક પેનડ્રાઇવ પણ રજૂ કરી હતી. આથી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
રાજ્યપાલ વિશે વિરોધીઓ આક્રમક
નાગપુરમાં શિયાળુ સત્રના ગઈ કાલના છેલ્લા દિવસે વિરોધ પક્ષોએ ફરી એક વખત રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હટાવવા માટે વિધાનભવન પરિસરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. રાજ્યપાલે મહાપુરુષોનું એકથી વધુ વખત અપમાન કર્યું હોવાનો આરોપ મૂકીને તેમને રાજ્યમાંથી દૂર કરવા માટેની માગણી વિરોધ પક્ષોના નેતાઓએ આ સમયે કરી હતી. જોકે આખા શિયાળુ સત્રમાં રાજ્યપાલને હટાવવા બાબતે કોઈ પ્રસ્તાવ લાવવામાં નહોતો આવ્યો અને આ બાબતે કોઈ ચર્ચા પણ નહોતી થઈ. આથી વિરોધ પક્ષના નેતા અજિત પવારે નારાજગી વ્યક્ત કરી હતી.