આ વર્ષે પણ વિદ્યાર્થીઓની તુલનામાં ૪.૫૯ ટકા વધુ મેળવીને વિદ્યાર્થિનીઓએ બાજી મારી : ૯૬.૧૦ ટકા સાથે કોંકણ અવ્વલ તો ૮૮.૧૩ ટકા મેળવીને મુંબઈ તળિયે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : આ વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી કૉમર્સ, આર્ટ્સ અને સાયન્સની મહારાષ્ટ્ર એચએસસી બોર્ડની પરીક્ષાનું ગઈ કાલે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ૯૧.૨૫ ટકા પરીક્ષા આપનારાઓ પાસ થયા હતા. જોકે ગયા વર્ષે જ્યાં ૯૪.૨૨ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા એની સામે આ વખતે ૯૧.૨૫ ટકા એટલે કે ૨.૯૭ ટકા ઓછું રિઝલ્ટ રહ્યું છે. રાજ્યના પુણે, મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ, લાતુર, કોલ્હાપુર, અમરાવતી અને કોંકણ વગેરે નવ વિભાગમાં ૯૬.૧ ટકા સાથે કોંકણ અવ્વલ રહ્યું છે;
જ્યારે ૮૮.૧૩ ટકા સાથે મુંબઈનું રિઝલ્ટ તળિયે આવ્યું છે.
મહારાષ્ટ્રના સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી બોર્ડ, પુણે દ્વારા આ વર્ષના માર્ચ-એપ્રિલ મહિનામાં એચએસસીના સાયન્સ, કૉમર્સ, આર્ટ્સ, વોકેશનલ અને ટેક સાયન્સ વગેરે પાંચ સ્ટ્રીમની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરના નવ વિભાગમાંથી કુલ ૧૪,૧૬,૩૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૧.૨૫ ટકા એટલે કે ૧૨,૯૨,૪૬૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ફરી ગર્લ્સે બાજી મારી
છેલ્લાં કેટલાંક વર્ષની જેમ આ વખતે પણ એચએસસીમાં ગર્લ્સે બાજી મારી છે. આ વખતે ૬,૪૮,૯૮૫ ગર્લ્સે પરીક્ષા આપી હતી. એમાંથી ૯૩.૭૩ ટકા એટલે કે ૬,૦૮,૩૫૦ ગર્લ્સ પાસ થઈ છે. આની સામે આ વર્ષે પરીક્ષા આપનારા ૭,૬૭,૩૮૬ બૉય્ઝમાંથી ૮૯.૧૪ ટકા એટલે કે ૬,૮૪,૧૧૮ પાસ થયા છે. આમ બૉય્ઝની તુલનામાં આ વખતે પણ ૪.૫૯ ટકા વધુ ગર્લ્સે પરીક્ષામાં સફળતા મેળવી છે.
સાયન્સ સ્ટ્રીમ ટૉપ રહ્યું
એચએસસીની પરીક્ષામાં સાયન્સ, કૉમર્સ, આર્ટ્સ, વોકેશનલ અને ટેક સાયન્સ એમ પાંચ સ્ટ્રીમની પરીક્ષા લેવામાં આવી હતી. આમાંથી ૯૬.૦૯ ટકા સાથે સાયન્સ ટૉપ રહ્યું છે; જ્યારે કૉમર્સના ૯૦.૪૨ ટકા, ટેક સાયન્સના ૯૦.૨૫ ટકા, વોકેશનલના ૮૯.૨૫ ટકા અને આર્ટ્સના ૮૪.૦૫ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા.
નવ વિભાગમાં કોણ કેટલા પાણીમાં?
એચએસસી બોર્ડના કુલ નવ વિભાગમાં ૯૬.૦૧ ટકા સાથે કોંકણ અવ્વલ રહ્યું છે, જ્યારે ૮૮.૧૩ ટકા સાથે મુંબઈ તળિયે આવ્યું છે. પુણે વિભાગના ૯૩.૩૪ ટકા, નાગપુરના ૯૦.૩૫ ટકા, ઔરંગાબાદના ૯૧.૮૫ ટકા, કોલ્હાપુરના ૯૩.૨૮ ટકા, અમરાવતીના ૯૨.૭૫ ટકા, નાશિકના ૯૧.૬૬ ટકા અને લાતુર વિભાગના ૯૦.૩૭ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે.
ગુજરાતીમાં ૯૭.૧૬ ટકા સ્ટુડન્ટ્સ પાસ
એચએસસી બોર્ડમાં રાજ્યભરમાંથી કુલ ૧,૨૪૩ સ્ટુડન્ટ્સે ગુજરાતી વિષય સાથે પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૭.૧૬ ટકા એટલે કે ૧,૧૯૭ વિદ્યાર્થી પાસ થયા છે. બોર્ડ દ્વારા કુલ ૧૫૪ વિષયમાં પરીક્ષા લેવામાં આવી હતી. એમાંથી તેલુગુ, પંજાબી, બંગાળી, રશિયન અને ચાઇનીઝ સહિતના ૨૩ વિષયનું રિઝલ્ટ ૧૦૦ ટકા રહ્યું છે.