બુલઢાણાનાં ત્રણ ગામમાં આવું જ થઈ રહ્યું છે: પુરુષો-સ્ત્રીઓના વાળ અચાનક ઊતરવા લાગ્યા: નવા વાઇરસને લીધે આવું થતું હોવાની દહેશત ગામમાં ફેલાઈ
ગામમાં એક બાળકના વાળ ચેક કરતો મેડિકલ ઑફિસર અને વાળ ગુમાવનાર વ્યક્તિ.
ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)ના કેસ ભારત અને મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યના બુલઢાણા જિલ્લામાં આવેલાં ત્રણ ગામનાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ અચાનક ફટાફટ ઊતરવા લાગતાં દહેશતનું વાતાવરણ નિર્માણ થયું છે.
બુલઢાણા જિલ્લાના શેગાવ તાલુકામાં આવેલાં બોંડગાવ, કાલવડ અને હિંગણા નામનાં ગામોમાં રહેતાં પચાસ જેટલી મહિલાઓ અને પુરુષોના વાળ અચાનક ઊતરવા લાગ્યા છે. જેમના વાળ ઊતરવા લાગ્યા છે અને માથું લગભગ સફાચટ થઈ ગયું છે તેમના માથામાં થોડા દિવસ પહેલાં ભરપૂર વાળ હતા. અચાનક વાળ ઊતરવા લાગતાં વાઇરસને લીધે આવું થઈ રહ્યું હોવાની દહેશતથી આ ગામોમાં ખળભળાટ મચી ગયો છે. જેમના વાળ ઊતરી ગયા છે તેમને પહેલાં માથામાં ખંજવાળ આવવા લાગી હતી. તેઓ માથું ખંજવાળતા ત્યારે તેમના હાથમાં વાળનો ગુચ્છો આવી જતો હતો. બે-ત્રણ દિવસમાં તો આ લોકોના માથાના તમામ વાળ ઊતરી જવાથી તેઓ ટાલિયા થઈ ગયા હતા. વાળ ઊતરવાની માહિતી મળતાં આરોગ્ય વિભાગે આની પાછળનું કારણ જાણવા માટે ગામમાં સર્વેક્ષણ હાથ ધર્યું છે.
ADVERTISEMENT
મુંબઈનાં કૉસ્મેટિક સર્જ્યન ડૉ. અપૂર્વા સામંતે જણાવ્યું હતું કે ‘શૅમ્પૂ-કન્ડિશનર કે કોઈ દવાને લીધે આ સમસ્યા ઊભી થવાની શક્યતા નહીંવત્ છે. પાણીમાં જડ ધાતુના પ્રમાણમાં વધારો થવો કે હવામાં દૂષિત ઘટના વધવાથી ગામવાસીઓના વાળ ઊતરવાની સમસ્યા ઊભી થવાની શક્યતા છે. આનાથી ડરવાની જરૂર નથી કે લોકોએ પોતાની રીતે કોઈ પણ સારવાર શરૂ ન કરવી. આરોગ્ય વિભાગની સલાહ લેવી.’