વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના ઑફિસરે બેદરકારીમાં જીવ ગુમાવ્યો
સૂરજ રામચંદ્ર ચૌગુલે
નવી મુંબઈના સાનપાડામાં રહેતા અને વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં કામ કરતા પંચાવન વર્ષના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સૂરજ રામચંદ્ર ચૌગુલેએ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ડ્રાઇવ કરતા હોવા છતાં સીટબેલ્ટ નહોતો પહેર્યો એને લીધે ઍક્સિડન્ટમાં જીવ ગુમાવ્યો હતો. અકસ્માત વખતે સીટબેલ્ટના સેન્સરને કનેક્ટેડ ઍરબૅગ ન ખૂલતાં તેમનું મૃત્યુ થયું હતું. જો તેમણે સીટબેલ્ટ પહેર્યો હોત તો કદાચ આ ઍક્સિડન્ટમાં તેમનો જીવ બચી શક્યો હોત એવું પોલીસનું કહેવું છે.
સૂરજ ચૌગુલે તેમની અર્ટિગા કારમાં મુંબઈ–પુણે એક્સપ્રેસવે પરથી પાછા ફરી રહ્યા હતા. ડ્યુટી પર જવાનું હોવાથી તેમણે યુનિફૉર્મ પણ પહેર્યો હતો. શનિવારે મધરાત બાદ ૨.૫૦ વાગ્યે તેમણે કારના સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડરને અથડાઈને રેલિંગ સાથે જોશભેર ભટકાઈ હતી. કારમાં ઍરબૅગ હતી, પણ એ ખૂલી નહોતી. પોલીસે ચેક કરતાં જણાયું હતું કે તેમણે સીટબેલ્ટ નહોતો પહેર્યો એટલે એની સાથે કનેક્ટેડ ઍરબૅગને સિગ્નલ મળ્યું નહોતું એટલે એ ખૂલી નહોતી.