પવઈમાં IITના કૅમ્પસમાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે વર્કરને કૂતરો કરડ્યો, બધાએ પાંચ-પાંચ ઇન્જેક્શન લેવાં પડશે
કૂતરાની તસવીર
દેશભરમાં જાણીતી પવઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી(IIT)ના કૅમ્પસમાં શનિવારે એક શ્વાને ૧૨ સ્ટુડન્ટ્સ અને બે વર્કરોને બચકું ભરી લેતાં હાહાકાર મચી ગયો હતો. આ બાબતની જાણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને કરવામાં આવતાં BMCના કર્મચારીઓ આવીને શ્વાનને પકડી ગયા હતા. હવે તે ૧૪ જણે સારવાર લેવાનું ચાલુ કરી દીધું છે. આ બાબતે માહિતી આપતાં BMCના વેટરિનરી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. કે. એ. પઠાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMC દ્વારા શ્વાનને આપવામાં આવતી ઍન્ટિ-રૅબીઝ રસીની અમારી ડ્રાઇવ સતત ચાલુ છે. અમને શનિવારે IITમાં શ્વાને કેટલાક લોકોને બચકું ભર્યું હોવાની જાણ થતાં કર્મચારીઓને મોકલીને એ શ્વાનને પકડી લીધો છે. હવે એને સાતથી ૧૦ દિવસ અન્ડર-ઑબ્ઝર્વેશન રાખીશું અને પછી જો એનામાં કોઈ ચિહ્ન ન જણાયાં તો છોડી મૂકીશું. BMC દ્વારા અમે સતત ઍન્ટિ-રૅબીઝની ડ્રાઇવ ચલાવતા હોઈએ છીએ અને એ પકડાયેલો ડૉગી પણ વૅક્સિનેટેડ છે. જોકે એમ છતાં જેને કરડ્યો છે તેમણે પાંચ ઇન્જેક્શનનો કોર્સ તો કરવો જ પડશે. પહેલાં એ ઇન્જેક્શન ડૂંટીમાં અપાતાં હતાં, પણ હવે એવું નથી. હવે એ ઇન્જેક્શન મસલ્સમાં હાથ પર પણ લઈ શકાય છે. ૨૧થી ૨૮ દિવસમાં એ કોર્સ પૂરો કરવો પડે છે. BMC દ્વારા અમે મુંબઈના મોટા ભાગના શ્વાનોનું વૅક્સિનેશન કરેલું છે અને સાથે જ ૮૦ ટકા જેટલા શ્વાનોની નસબંધી પણ કરેલી છે. આમ અમારે શ્વાનોના પૉપ્યુલેશન પર કન્ટ્રોલ કરવાનો હોય છે. એની સાથે જ અમે લોકોમાં પણ આ બાબતે જાગૃતિ ફેલાય એ માટે અવેરનેસ કૅમ્પેન ચલાવતા હોઈએ છીએ.’


