શરદ પવારની અને દેવેન્દ્ર ફડણવીસની સભામાં અચાનક વરસાદ પડતાં બન્નેએ વિજયનો સંકેત થયો હોવાનું કહ્યું
શરદ પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીના પ્રચાર વખતે શરદ પવાર સાતારામાં જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતો હોવા છતાં શરદ પવારે તેમનું ભાષણ ચાલું રાખ્યું હતું. આથી એ ચૂંટણીમાં તેમના પક્ષને ઘણી બેઠકો પર ફાયદો થયો હોવાની ખૂબ ચર્ચા થઈ હતી. ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે ગઈ કાલે ફરી ચાલું સભાએ વરસાદ પડવાની ઘટના બની હતી. આ વખતે શરદ પવારની સાથે દેવેન્દ્ર ફડણવીસની સભામાં પણ વરસાદ થયો હતો. શરદ પવાર કોલ્હાપુરની ઇચલકરંજી બેઠકમાં ગઈ કાલે જાહેર સભામાં બોલી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો. શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસે પ્રચારસભા દરમ્યાન વરસાદ પડવાને શુભ સંકેત માનીને પોતપોતાનો વિજય નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.
શરદ પવારે કહ્યું હતું કે ‘વરસાદમાં હું સભા કરી રહ્યો છું, આપણો વિજય નિશ્ચિત છે. અગાઉ પણ ચાલુ વરસાદમાં મેં સભા કરી હતી ત્યારે ચૂંટણીનું રિઝલ્ટ પૉઝિટિવ આવ્યું હતું.’
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે સાંગલીના શિરાળા બેઠકમાં જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કમોસમી વરસાદ શુભ સંકેત છે કે આપણા ઉમેદવાર સત્યજિત દેશમુખ ચોક્કસપણે વિજયી થશે.’