પહેલી જૂન સુધી ટૅરિફ કાર્ડના આધારે ચૂકવવાં પડશે રિક્ષા-ટૅક્સીનાં ભાડાં
લોઅર પરેલમાં મુસાફરની રાહ જોઈ રહેલો ટૅક્સી-ડ્રાઇવર
આજથી ઑટો અને ટૅક્સીનાં નવાં ભાડાં અમલમાં આવી રહ્યાં છે. રિક્ષાનું લઘુતમ ભાડું વધારીને ૨૧ રૂપિયા જ્યારે ટૅક્સીનું ભાડું વધારીને ૨૫ રૂપિયા કરવામાં આવ્યું છે. આમ એકંદરે બન્નેનાં ભાડાંમાં ત્રણ રૂપિયાનો વધારો કરાયો છે.
જોકે પહેલી જૂન સુધી મુંબઈ, નવી મુંબઈ, થાણે અને નજીકના વિસ્તારોને આવરી લેતા એમએમઆરમાં દોડતી ઑટો અને કાળી-પીળી ટૅક્સીના મુસાફરોએ નવા ટૅરિફ કાર્ડના આધારે ભાડું ચૂકવવાનું રહેશે જે તેઓ પરિવહન વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.
ADVERTISEMENT
નવા દરના આધારે મીટરની પુનર્ગણનાની અંતિમ તારીખ ૩૧ મે સુધી લંબાવવામાં આવી છે. આરટીઓની ઑફિસમાં વધુ ભીડ ન થાય એ માટે વાહનોની નંબર-પ્લેટના આધારે સમયની ફાળવણી કરવામાં આવશે.
મીટરની પુનર્ગણના માટે ઑટો અને ટૅક્સી-ડ્રાઇવરો આરટીઓ ઑફિસ પાસે ભીડ કરશે એવો ભય ટ્રેડ યુનિયનોએ વ્યક્ત કર્યો હતો. જોકે પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નંબર-પ્લેટના આધારે સમયની ફાળવણી કરવામાં આવી હોવાથી ભીડની સંભાવના ઓછી છે. જે વાહનોના નંબરનો અંત શૂન્યથી થાય છે એમણે પ્રથમ સાત દિવસમાં અને એ જ પ્રકારે એક નંબરથી અંત થાય એણે ત્યાર બાદના સાત દિવસમાં મીટરની પુનર્ગણના કરાવવાની રહેશે. આમ આ પ્રક્રિયા નવ મે સુધી ચાલશે.
આ પ્રક્રિયામાં જે લોકો મીટરની પુનર્ગણના કરાવી શક્યા ન હોય તેમણે બાકીના દિવસોમાં એ કરાવી લેવાનું રહેશે. એમએમઆર રીજનમાં ૪.૬૦ લાખ ઑટો અને ૬૦,૦૦૦ ટૅક્સી છે જે ધ્યાનમાં રાખીને પરિવહન વિભાગે ૩૦૦ મીટર-ટેક્નિશ્યન તહેનાત કર્યા છે.
શહેરમાં ગ્રાહકનાં હિતો માટે લડતા અગ્રણી સંગઠન મુંબઈ ગ્રાહક પંચાયતે રાજ્ય સરકારને પત્ર લખીને ઑટો-ટૅક્સીનાં ભાડાંમાં વધારો છ મહિના માટે પાછળ ઠેલવાનો કે ભાડાંમાં ઓછામાં ઓછો વધારો કરવાનું સૂચન કર્યું છે. જોકે સરકારી અધિકારીઓ જણાવે છે કે ભાડાંમાં વધારાની જાહેરાત કરી દેવામાં આવી છે અને એ અંગે સૂચિત પણ કરવામાં આવ્યું છે.

