મુંબઈમાં નબળી ઍર ક્વૉલિટીના કારણે મુંબઈનાં ત્રણ સ્ટેશનો ઘાટકોપર, ખાર અને કાંદિવલી જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે એને ગ્રીન નેટ કવર મળ્યું છે.
રેલવે પણ પોતાની કન્સ્ટ્રક્શન સાઇટ્સને આપી રહી છે ગ્રીન કવર
મુંબઈ ઃ મુંબઈમાં નબળી ઍર ક્વૉલિટીના કારણે મુંબઈનાં ત્રણ સ્ટેશનો ઘાટકોપર, ખાર અને કાંદિવલી જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે એને ગ્રીન નેટ કવર મળ્યું છે.
ત્રણ મુખ્ય પ્રોજેક્ટ્સનું સંચાલન કરનાર મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને (એમઆરવીસી) જણાવ્યું હતું કે માત્ર મુંબઈ માટે જ નહીં, પરંતુ સમગ્ર એમએમઆર પ્રદેશના અન્ય તમામ પ્રોજેક્ટ્સ માટે પણ વિશેષ પગલાં લેવામાં આવ્યાં છે. ગ્રીન નેટ, જેને ટેક્નિકલ રીતે ‘સ્કેફૉલ્ડિંગ નેટિંગ ક્લોથ’ કહેવામાં આવે છે, એનો ઉપયોગ બાંધકામ સ્થળોએ થાય છે, કારણ કે આ જાળી કાટમાળના સ્પિલેજ અને ધૂળના ફેલાવાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
એમઆરવીસીના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસીએ જણાવ્યું હતું કે ‘મુંબઈમાં ખાર, કાંદિવલી અને ઘાટકોપરમાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ઘાટકોપરમાં અમારું પ્લિન્થ/ગ્રાઉન્ડ કામ પૂરું થઈ ગયું છે અને મોટા ભાગનું કામ ડેક લેવલ પર ચાલી રહ્યું છે. અમે સ્થળ પરથી તમામ કાટમાળ હટાવી લીધો છે. મોટા ભાગે અમે બૅકફીલિંગ માટે વેસ્ટ મટીરિયલનો પુનઃ ઉપયોગ કરીએ છીએ. જોકે સ્ટેશન બિલ્ડિંગ વર્ક્સ અને સ્ટેશન ઇમ્પ્રૂવમેન્ટ વર્ક વગેરેના તમામ સાઇટ સુપરવાઇઝરને તાત્કાલિક કચરાનો નિકાલ કરવાની સલાહ આપવામાં આવી છે. અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે વાહનો પીયુસી પાસ હોય અને સ્થળ પરના તમામ કામદારો માટે માસ્ક અને પીપીઈ સૂટ હોય. અમે અમારી મુખ્ય સાઇટ્સ પર સેન્સર-આધારિત ઍર મૉનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ રાખવાનું તથા ડીઝલ જનરેટર સેટનું મૉનિટરિંગ કરવા માટે તમામ કૉન્ટ્રૅક્ટરોને નિર્દેશો જારી કરવાનું પણ આયોજન કરી રહ્યા છીએ. સ્ટેશન ઇમ્પ્રૂવમેન્ટ વર્કની જગ્યાઓ બૅરિકેડેડ છે. જોકે વિરાર-દહાણુ અને પનવેલ-કર્જત પ્રોજેક્ટનાં અમારાં મોટાં કામો બીએમસી હેઠળ આવતાં નથી. અમે પર્યાવરણના દૃષ્ટિકોણથી એની સમીક્ષા કર્યા પછી અન્ય એમઆરવીસી પ્રોજેક્ટ્સની જેમ શમનનાં પગલાંનો આશરો લીધો છે.’


