ઘાટકોપર સ્ટેશન પર ભયાનક ભીડના મિડ-ડેના અહેવાલ પછી હવે રેલવેએ સ્ટેશનમાં ઈસ્ટમાં મેટ્રો તરફના ભાગના કામકાજની સ્પીડ વધારી દીધી છે
ઘાટકોપર સ્ટેશને ૧૪ ડિસેમ્બરે જોવા મળેલી ભીડ (તસવીર : અવલી વ્લૉગ્સ)
ઘાટકોપર રેલવે સ્ટેશનના ભયજનક સીન પરનો ‘મિડ-ડે’નો અહેવાલ તેમ જ ઉતારુઓએ સ્ટેશનના અપગ્રેડેશનનું કામ ઝડપી બનાવવા કરેલી માગણીને પગલે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમવીઆરસી)એ ગઈ કાલે કહ્યું હતું કે અમે ઈસ્ટ તરફના (જે તરફ મેટ્રો સ્ટેશન આવ્યું છે એ તરફનું) બાંધકામની ઝડપ વધારી છે.
એમવીઆરસીના અધિકારીઓએ કહ્યું હતું કે ‘અમે ૭૫ મીટર લાંબો અને ૧૨ મીટર પહોળો ફુટ ઓવરબ્રિજ બાંધી રહ્યા છીએ તેમ જ પૂર્વ તરફ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનું ત્રીજા તબક્કાના અતિક્રમણ નિયંત્રણ હેઠળ ૪૫ મીટર લાંબી પૂર્વ ડેકનું બાંધકામ કરી રહ્યા છીએ. આ કાર્ય ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.’
ADVERTISEMENT
એમઆરવીસીના ચીફ પીઆરઓ સુનીલ ઉદાસીએ જણાવ્યું હતું કે ‘કુલ ૧૦ ફાઉન્ડેશનમાંથી ૭નાં કામ (૭૦ ટકા જેટલું) પૂરાં થયાં છે, આવશ્યક ૫૩ કૉલમમાંથી ૩૦નું ફૅબ્રિકેશનકાર્ય (૫૬ ટકા જેટલું) પૂર્ણ થયું છે. કુલ ફૅબ્રિકેશનનું કામ ૯૯૦ મેટ્રિક ટન જેટલું છે, જેમાંથી ૫૦૦ મેટ્રિક ટન (લગભગ ૫૦ ટકા જેટલું) પૂર્ણ છે. હાલમાં પ્લૅટફૉર્મ નંબર બે અને ચાર પર ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું છે. ફુટ ઓવરબ્રિજ અને ઈસ્ટ ડેકનું કાર્ય નવેમ્બર ૨૦૨૩ સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે.’
સમગ્ર પ્રોજેક્ટમાં એલિવેટેડ લિન્ક સાથે જોડાયેલા ત્રણ નવા ૧૨ મીટર લંબાઈના ફુટ ઓવરબ્રિજ સહિત ૭ પૉઇન્ટ અપગ્રેડ કરવાનો સમાવેશ છે. આ ઉપરાંત રોડની સમાંતર વધારાનો સ્કાયવૉક અને પ્રવાસીઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પણ સામેલ છે.
રોજના ૧.૯૩ લાખ પ્રવાસીઓ ઘાટકોપર સ્ટેશનનો ઉપયોગ કરે છે તથા ૩.૮૭ લાખ લોકો વિવિધ કારણસર સ્ટેશન પરિસરનો ઉપયોગ કરે છે. ૧૪ ડિસેમ્બરે મેટ્રો બ્લુ લાઇન વનની એક મેટ્રો ટ્રેન રદ થતાં પીક-અવર્સના સમયે ઘાટકોપર સ્ટેશનમાં ઉતારુઓની ભારે ભીડ જોવા મળી હતી.
ઑફિસ જનારા ઉતારુઓથી રેલવેનો ફુટઓવર બ્રિજ હકડેઠઠ ભરાઈ જતાં ‘મિડ-ડે’એ ઉતારુઓની ભીતિને વાચા આપીને તેમની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી.
ઉત્તર પૂર્વ મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકે રેલવે ખાતાના પ્રધાન પીપૂષ ગોયલ સાથે આ મુદ્દાની ચર્ચા કરી હતી, જેમણે ૨૦૧૯ની ૧૩ સપ્ટેમ્બરે એક જાહેર સમારંભમાં અધિકારીઓને વિસ્તૃત યોજના બનાવવા અને સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.