વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરનો સનસનીખેજ દાવો
પ્રકાશ આંબેડકર, શરદ પવાર
વંચિત બહુજન આઘાડીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે ગઈ કાલે દાવો કર્યો હતો કે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવાર દુબઈમાં દાઉદ ઇબ્રાહિમને મળ્યા હતા. આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. મુંબઈમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં પ્રકાશ આંબેડકરે શરદ પવાર પર ગંભીર આરોપ કરતાં કહ્યું હતું કે ‘૧૯૮૮થી ૧૯૯૧ દરમ્યાન શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. એ સમયે શરદ પવાર લંડનની મુલાકાતે ગયા હતા. ત્યાંથી તેઓ અમેરિકાના કૅલિફૉર્નિયા ગયા હતા. અહીં તેઓ બે દિવસ રોકાયા હતા. કોની સાથે મીટિંગ કરી એનો ખુલાસો શરદ પવારે કરવો જોઈએ. કૅલિફૉર્નિયાથી શરદ પવાર લંડન ગયા હતા. અહીંથી તેઓ દુબઈ પહોંચ્યા હતા અને ઍરપોર્ટ પર દાઉદ ઇબ્રાહિમને મળ્યા હતા. એટલું જ નહીં, ઍરપોર્ટ પર શરદ પવારને સોનાનો હાર પહેરાવવામાં આવ્યો હતો. શરદ પવાર મુખ્ય પ્રધાન હતા એટલે કેન્દ્ર સરકારે તેમને વિદેશની મુલાકાતે જવાની સાથે કોઈ બેઠકમાં હાજર રહેવાની પરવાનગી આપી હતી? કેન્દ્ર સરકારે આવી મંજૂરી આપી હોય તો દાઉદ ઇબ્રાહિમને મળવાની પણ મંજૂરી આપી હતી કે? બેઠકનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો હતો?’
પ્રકાશ આંબેડકરના શરદ પવાર પર અત્યંત ચોંકાવનારા અને ગંભીર આરોપથી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. શરદ પવાર હવે આનો શું જવાબ આપે છે એના પર સૌની નજર રહેશે.

