૧૪ ઓક્ટોબરના રોજ પ્રતીક્ષા નગર વૃંદાવન સોસાયટીમાં એસઆરએ બિલ્ડિંગમાં ચોથા માળે આગ ફાટી નીકળી હતી.
મુંબઈ પોલીસ (પ્રતીકાત્મક તસવીર)
મુંબઈ: ૧૪ ઓક્ટોબરના રોજ પ્રતીક્ષા નગર વૃંદાવન સોસાયટીમાં એસઆરએ બિલ્ડિંગમાં ચોથા માળે આગ ફાટી નીકળી હતી. જેમાં વડાલા ટીટી પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોએ ફસાયેલા લોકોને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. કોન્સ્ટેબલો કલ્પેશ મોકલ અને યોગેશ પાટીલે વરિષ્ઠ નાગરિકો સહિત ઓછામાં ઓછા એક ડઝન લોકોના જીવ બચાવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ કલ્પેશ મોહન મોકલે જણાવ્યું હતું કે ‘૧૪ ઓક્ટોબરે અમને ફોન આવ્યો કે એસઆરએ હાઈરાઈઝમાં આગ લાગી છે. અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો ચોથા માળેથી આગ ફેલાતી જોઈ હતી. સોસાયટીના સભ્યો પોતપોતાના માળે ફસાયેલા હતા. થોડી જ વારમાં આગ લગભગ ૭મા માળ સુધી પહોંચી ગઈ હતી.’ કોન્સ્ટેબલ યોગેશ પાટીલે જણાવ્યું હતું કે, ‘ઘણા લોકો બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એકઠા થયા હતા, કેટલાક લોકો મદદ માટે વિનંતી કરી રહ્યા હતા કારણ કે તેમના જાણીતા લોકો અંદર ફસાયેલા હતા. જેથી અમે ઝડપથી કાર્યવાહી કરી હતી.’ પાટીલે વધુમાં જણાવ્યુ કે ‘બંને અધિકારીઓએ સોસાયટીના ચોથા માળેથી લોકોને બચાવવાનું શરૂ કર્યું, કાળો ધુમાડો આ બચાવ કામગીરીમાં અડચણરૂપ સાબિત થઈ રહ્યો હતો. અંદર ફસાયેલા લોકો ખૂબ જ ડરી ગયા હોવાથી અમારે શાંત રહેવું પડ્યું, ફાયર બ્રિગેડ આવે તે પહેલા કોન્સ્ટેબલોએ જીવ બચાવી લીધો હતો અને દુર્ઘટના ટળી હતી.’ મોકલ અને પાટીલના જણાવ્યા અનુસાર, સૌથી પડકારજનક કામ સાતમા માળે ફસાયેલા વરિષ્ઠ નાગરિકોને બચાવવાનું હતું. તેમના બાળકોને સલામત સ્થળ મળી ગયું હતું અને તેઓ વરિષ્ઠ નાગરિકોનો જીવ બચાવવા અમારી પાસે વિનંતી કરી રહ્યા હતા. બે વૃદ્ધ મહિલાઓ સંપૂર્ણપણે પથારીવશ હતી અને તેઓ મદદ માટે વિનંતી કરી રહી હતી. અમે તેમને ખુરશી પર બેસાડ્યા અને તેમને પકડીને બહાર લાવ્યા હતાં. બંને અધિકારીઓએ વેંકટેશ મુલગીવાર, ઉજ્જવલા મોદાવર અને રાજના કેદારને બિલ્ડિંગના સાતમા માળેથી બચાવ્યા, તેઓ બંનેને આગળની વિંગમાં લઈ ગયા અને ત્રણેય ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના પરિવાર સાથે ફરી મળી શક્યા. પાટીલના જણાવ્યા મુજબ તેઓ બંને કંઈ જોઈ શકતા ન હતા કારણ કે ચારે બાજુ કાળા ધુમાડાનું જાડું પડ હતું અને દરેકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ બન્ને પોલીસ જવાનોને સોમૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર લીધા બાદ બંનેને રજા આપવામાં આવી હતી.


