Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પન્હાળામાં દિવસે ઉનાળો અને રાતે શિયાળો

પન્હાળામાં દિવસે ઉનાળો અને રાતે શિયાળો

Published : 20 May, 2026 09:18 AM | Modified : 20 May, 2026 09:20 AM | IST | Kolhapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ ઉનાળો હોવાથી દિવસના સમયે સખત ગરમી રહે છે. સોમવારે પન્હાળામાં પણ સખત ગરમી હતી

પન્હાળામાં સખત ઠંડી પડતાં ધુમ્મસ ફેલાઈ ગયું હતું.

પન્હાળામાં સખત ઠંડી પડતાં ધુમ્મસ ફેલાઈ ગયું હતું.


દિવસના સમયે ૩૯ ડિગ્રી પર પહોંચી ગયેલો પારો રાતે ઊતરીને ૧૦ ડિગ્રી પર પહોંચી જતાં કોલ્હાપુર જિલ્લામાં આવેલા પન્હાળાના રહેવાસીઓ દિવસે ઉનાળાનો અને રાતે શિયાળાનો અનુભવ કરી રહ્યા છે. એટલું જ નહીં, પન્હાળા ગઢ પર રીતસરનું ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે.

હાલ ઉનાળો હોવાથી દિવસના સમયે સખત ગરમી રહે છે. સોમવારે પન્હાળામાં પણ સખત ગરમી હતી. બપોરેના સમયે પારો ૩૯ ડિગ્રી પર પહોંચી જતાં લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. જોકે સૂર્યાસ્ત પછી વાતવારણમાં પલટો આવ્યો હતો. રાતે ૯ વાગ્યા પછી પારો નીચે ઊતરવા માંડ્યો હતો. મધરાત સુધીમાં તો એવી હાલત થઈ ગઈ કે લોકો ઠંડીથી કાંપવા માંડ્યા હતા. એથી કબાટમાં મૂકી દીધેલાં ગરમ કપડાં અને ધાબળા બહાર કાઢવાં પડ્યાં હતાં. 



મૂળ વાત એ હતી કે પન્હાળામાં ઉનાળામાં પણ રાતના સમયે ટેમ્પરેચર ૨૦ ડિગ્રીથી નીચે જતું નથી. એથી ૧૦ ડિગ્રી સુધી ટેમ્પરેચર ઊતરી જવું એ અસામાન્ય બાબત બની રહી છે. ગામના સિનિયર સિટિઝનોનું પણ કહેવું હતું કે તેમણે ઉનાળામાં આવી ઠંડીનો અનુભવ ક્યારેય કર્યો નથી.


વિદર્ભમાં આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો છે- મંગળવારે અમરાવતી ૪૬.૮ અને વર્ધા ૪૬.૫ ડિગ્રી

વિદર્ભ ક્ષેત્રનાં મોટા ભાગનાં શહેરો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યાં છે, જેમાં દિવસનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું છે. મંગળવારે અમરાવતીમાં પારો ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ અને વર્ધામાં ૪૬.૫ ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયો હતો. વિદર્ભમાં ગરમીનું તાપમાન આગામી થોડા દિવસ સુધી ઘટવાની શક્યતા નથી. ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટે ગઈ કાલે અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળમાં અને ૨૦-૨૧ મેએ અકોલા, અમરાવતી અને વર્ધામાં તીવ્ર ગરમીની સ્થિતિની ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી.


અમરાવતીમાં મહત્તમ તાપમાન ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ પ્રદેશમાં દિવસનું સૌથી વધુ છે. ત્યાર બાદ વર્ધામાં ૪૬.૫, અકોલામાં ૪૬, નાગપુરમાં ૪૫.૫, યવતમાળમાં ૪૫.૪, ચંદ્રપુરમાં ૪૫.૨, ગડચિરોલીમાં ૪૪ ડિગ્રી સેલ્સિયસ, ગોંદિયામાં ૪૩.૮, વાશિમમાં ૪૩.૫ અને ભંડારામાં ૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

હવામાન ખાતાના નાગપુર કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે ‘પહેલાં હીટવેવની સ્થિતિ ટૂંકા ગાળાની રહેતી હતી અને લોકોને થોડા દિવસ પછી રાહત મળતી હતી. જોકે આ વર્ષે તાપમાન ૪૫ ડિગ્રીથી ૪૬ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહે છે જે ખૂબ જ ચિંતાજનક છે. હવામાન વિભાગે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. આવી સતત હીટવેવની સ્થિતિ ગરમી સંબંધિત બીમારીઓને જન્મ આપે છે. ખાસ કરીને શિશુઓ અને વૃદ્ધોમાં ગરમીનો થાક લાગવાનું અને સ્ટ્રોકનું જોખમ વધે છે. ભારે ગરમી માત્ર માનવસ્વાસ્થ્યને જ નહીં પરંતુ પશુધન અને જળચર પ્રાણીઓને તથા ભૂગર્ભજળના સ્તરને અસર કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 09:20 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK