જયપુર-મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં કત્લેઆમ કરનાર આરપીએફ કૉન્સ્ટેબલ આ માટે કોર્ટ સમક્ષ હાજર થવા માગે છે
આરપીએફ કૉન્સ્ટેબલ ચેતન સિંહને કોર્ટમાં હજાર કરાયો એની ફાઇલ તસવીર.
મુંબઈ ઃ જુલાઈની ૩૧ તારીખે જયપુર-મુંબઈ સુપરફાસ્ટ એક્સ્પ્રેસમાં સિનિયર અધિકારી સહિત ચાર પ્રવાસીની કત્લેઆમ કરનાર આરપીએફનો કૉન્સ્ટેબલ ચેતન સિંહ પોતાના બૅન્ક અકાઉન્ટને ઍક્ટિવ કરાવીને અયોધ્યામાં રામ મંદિર માટે આર્થિક સહાય આપવા માગે છે. અત્યારે અકોલા જેલમાં રખાયેલા ચેતન સિંહના બૅન્ક અકાઉન્ટને ફ્રીઝ કરાયું છે.
આ સંબંધમાં પોતાના વિચારો અદાલત સામે રજૂ કરી શકાય એ માટે કોર્ટ સમક્ષ હાજર થવાની ઇચ્છા પોતાના વકીલો સામે વ્યકત કરી છે ચેતન સિંહે.
તેણે પત્ર લખીને એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી તેનો પગાર તેને ચૂકવવામાં આવે જેથી પોતે પોતાના પરિવારને ટેકો આપી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેતન સિંહ એવું માને છે કે પોતે હત્યારો નથી પણ છેલ્લા થોડા સમયથી પોતાને એવું કશું થઈ ગયું છે જેને કારણે પોતે પોતાનો ગુસ્સો કાબૂમાં નથી રાખી શકતો. જાણે કે તેના પર કોઈએ વશીકરણ કર્યું હોય.
આ ડિસમિસ કરાયેલા કૉન્સ્ટેબલના વકીલ પંકજ ઘિલ્ડિયાલ, અમિત મિશ્રા અને સુરેન્દ્ર લાંડગેએ પ્રોડક્શન વૉરન્ટની અરજી દાખલ કરીને માગણી કરી હતી કે તેમના અસીલને કોર્ટ સમક્ષ હાજર થવા દેવાય.
અમિત મિશ્રાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચેતન સિંહ ૪ મહિનાથી જેલમાં છે. તેનું સ્વાસ્થ્ય અને માનસિક પરિસ્થિતિ સારી નથી.’