મુંબઈ: શહેરમાં ટીબી અને કોવિડ ધરાવતા દરદીઓમાં મૃત્યુદર નીચો
હોસ્પિટલ
મહામારી દરમિયાન ખાંસી અને તાવ જેવાં લક્ષણોને કોવિડ-19ના શંકાસ્પદ કેસ ગણવામાં આવતા હતા, ત્યારે શહેરના ડૉક્ટરો સામે એવા કેસ પણ આવી રહ્યા છે, જેમાં કોરોના પૉઝિટિવ દરદીઓ ટીબીથી પણ પીડાતા હોય. જોકે નિષ્ણાતો જણાવે છે કે આવા કેસની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી છે. માર્ચ મહિનાથી લઈને કોવિડ-19 અને ટીબી સાથે હોય એવા ૧૩૫ કેસ નોંધાયા છે, જેમાંથી ઘણા કેસ તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યા છે.
અત્યાર સુધીમાં શીવરી ટીબી હૉસ્પિટલ ખાતે કોવિડના ૧૨૦ કરતાં વધુ દરદીઓની સારવાર કરવામાં આવી છે. મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોવિડ અને ટીબીના ૧૩૫ કન્ફર્મ કેસમાંથી ૧૮ દરદીનાં મોત નીપજ્યાં હતાં.
ડૉક્ટરોએ જણાવ્યું હતું કે કોવિડની સૌથી ઘાતક અસર ટીબીના દરદીઓને થવાનો તેમનો અંદાજ હતો, પણ તેની સામે આવા કેસની સંખ્યા અત્યંત ઓછી છે.

