હવે વેસ્ટર્ન રેલવેથી પણ સાઉથ અને કોંકણ જવાનું શક્ય થશે
ફાઈલ તસવીર
હાલમાં કોંકણ અને દક્ષિણનાં રાજ્યો તરફના પ્રવાસની ટ્રેનો ફક્ત મધ્ય રેલવે પર ઉપલબ્ધ છે. કેટલીક ટ્રેનોને વસઈ ખાતે એન્જિનનો માર્ગ બદલીને કોંકણ કે દક્ષિણનાં રાજ્યો તરફ રવાના કરવામાં આવે છે, પરંતુ નાયગાંવ અને વસઈ-પનવેલ રૂટ પર આવેલા જુચંદ્ર સ્ટેશન વચ્ચે રેલ-કનેક્ટિવિટી રચવાના રેલવે તંત્રના નિર્ણયને પગલે હવે પશ્ચિમ રેલવેની લાઇનો પરથી કોંકણ અને દક્ષિણનાં રાજ્યો તરફનો પ્રવાસ સરળ બનશે. વસઈ-દીવા લાઇન પર નાયગાંવ-જુચંદ્રના ૭ કિલોમીટરના પટ્ટામાં ડબલ લાઇન રેલ ફ્લાયઓવર કનેક્ટર બાંધવામાં આવશે. હવે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર) માટેની રેલવે તંત્રની યોજનાઓની પ્રાથમિકતામાં જોગેશ્વરી ટર્મિનસની યોજના બીજા ક્રમે મુકાઈ છે. પ્રથમ ક્રમે નાયગાંવ-જુચંદ્ર રેલ લિન્કની યોજના હોવાનું પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી આલોક કંસલે જણાવ્યું હતું.
હાલમાં પશ્ચિમ રેલવેનાં સ્ટેશનોના ક્ષેત્રમાં રહેતા લગભગ ૩૦ લાખ મુસાફરો કોંકણ અને દક્ષિણનાં રાજ્યો તરફ પ્રવાસ કરે છે. અત્યારે કોંકણ રેલવે અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદરા ટર્મિનસથી ઉપડે છે. એ ટ્રેનોને આગળ વધારવા માટે ડિરેક્ટ લિન્કના અભાવે વસઈમાં એન્જિનની દિશા બદલવી પડે છે. તેમાં ઘણો સમય વેડફાય છે. તેથી હાલમાં હોલિડે સ્પેશ્યલ સહિત મર્યાદિત પ્રમાણમાં ટ્રેનો એ રૂટ પર દોડાવવામાં આવે છે. પશ્ચિમ રેલવેના એ દિશાના મુસાફરો માટે દાદર કે પનવેલ જઈને ટ્રેનો પકડવા અથવા વસઈ ખાતે મર્યાદિત સુવિધાઓનો ઉપયોગ કરવાના વિકલ્પો હોય છે. પરંતુ નાયગાંવ - જુચંદ્ર રેલ લિન્ક બંધાઈ જતાં પશ્ચિમ રેલવેની ટ્રેનો માટે એ રૂટ પર સીધો સડસડાટ પ્રવાસ શક્ય બનશે. એ યોજના માટે સર્વે હાથ ધરવાની મંજૂરી વર્ષ ૨૦૧૮ના રેલવે બજેટમાં આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સ્લો લાઇન પર ૧૫ ડબાની જ ટ્રેનો
મુંબઈની સબર્બન ટ્રેન સર્વિસમાં ૧૫ ડબાની ટ્રેનોનું પ્રમાણ મર્યાદિત છે, પરંતુ વધારે પ્રવાસીઓનો સમાવેશ કરી શકાય અને પ્રવાસમાં મોકળાશ પણ રહે એ માટે ૧૫ ડબાની ટ્રેન સર્વિસિસનું પ્રમાણ વધારવામાં આવશે. રેલવેના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે એકાદ મહિના પછી સ્લો લાઇન પર ૧૫ ડબાની ટ્રેનોનું પ્રમાણ તબક્કાવાર રીતે વધારવાની શરૂઆત કરવામાં આવશે.

