યુવાનોની ફેવરિટ ગેરકાયદે ટર્ફને હટાવવા ગયેલી સુધરાઈની ટીમ પર હુમલો
બીએમસી
મુંબઈ મહાનગરપાલિકાના આર-સેન્ટ્રલ વૉર્ડના ઑફિસર અને કર્મચારીઓની એક ટીમ મંગળવારે બોરીવલી (વેસ્ટ)ના સાંઈબાબાનગરના સરકારી મેદાનમાં ગેરકાયદે પાથરવામાં આવેલી ક્રિકેટ ટર્ફ કાઢવા જેસીબી લઈને ગઈ હતી ત્યારે કુણાલ કેરકર અને તેના ૩ સાગરીતોએ એ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે એ મેદાનની માલિકી તેમની પાસે છે. એટલું જ નહીં, તેમણે જેસીબીને નુકસાન પહોંચાડ્યું હતું અને સરકારી ટીમને ધમકી આપી તેમને ધક્કે ચડાવી તેમના પર હુમલો પણ કર્યો હતો. એથી આ સંદર્ભે પાલિકા અધિકારીએ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં બોરીવલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મળેલી ફરિયાદના આધારે મુંબઈ મહાનગરપાલિકાના આર-સેન્ટ્રલ વૉર્ડના અધિકારી આનંદ આવ્હાડ તેમની ટીમ સાથે મંગળવારે એ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા અને તેમણે ટર્ફ કાઢવાનું ચાલુ કર્યું હતું. ત્યારે કુણાલ કેરકર અને તેમના ૩ સાગરીતો ત્યાં આવી ચડ્યા હતા અને તેમણે એ મેદાનની માલિકી તેમની હોવાનું જણાવીને એ કાર્યવાહી રોકવા કહ્યું હતું. સરકારી અધિકારીઓએ એ કાર્યવાહીને લગતા પેપર્સ તેમને દેખાડ્યા ત્યારે તેઓ ભડકી ગયા હતા. કુણાલ કેરકરે ત્યાર બાદ મોટો હથોડો લઈ જેસીબી તોડવા માંડ્યું હતું. એટલું જ નહીં, અધિકારીઓને ધમકાવી ધક્કે ચડાવી તેમના પર હુમલો પણ કર્યો હતો.
ADVERTISEMENT
સરકારી અધિકારીઓએ એથી બોરીવલી પોલીસ-સ્ટેશનમાં કુણાલ કેરકર અને અન્ય સામે એફઆઇઆર નોંધાવ્યો હતો. આ બાબતે ‘મિડ-ડે’ દ્વારા કુણાલ કેરકરનો સંપર્ક કરવાની કોશિશ કરાઈ હતી જે નિષ્ફળ રહી હતી, જ્યારે એ વિસ્તારનાં નગરસેવિકા બિંદુ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રીતની કાર્યવાહી થઈ હોવાની મને જાણ છે. પાલિકાના અધિકારીએ પણ કહ્યું હતું કે શુક્રવારે તેમને એ માટે નોટિસ અપાઈ હતી અને એ ટર્ફ કાઢી લેવા જણાવ્યું હતું, પણ એમ ન થતાં એ કાર્યવાહી કરાઈ હતી. બાકી એની કાયદેસરતા વિશે મને બહુ ખ્યાલ નથી. બીજું, મંગળવારે મે વૅક્સિન લીધી હોવાથી હું રેસ્ટ પર છું. આઇ ઍમ નૉટ ફીલિંગ વેલ.’

