મુંબઈ: અકસ્માતમાં બાઇક પર સવાર પિતા-પુત્રનાં મોત
રવિ માલી અને તેના પિતા શ્રીમાની માલી.
શનિવારે સવારે વાકોલા બ્રિજ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી એક જ બાઇક પર પસાર થઈ રહેલા પિતા-પુત્રની બાઇક પાર્ક કરાયેલી એક વૅન સાથે અથડાતાં બન્નેનાં મોત નીપજ્યાં હતાં. ૭૦ વર્ષના શ્રીમની માલી અને તેમનો ૩૧ વર્ષનો પુત્ર રવિ માલી મલાડ-ઈસ્ટની પઠાણવાડીના શિવાજીનગરની યાદવ ચાલમાં રહેતા હતા. પ્રાથમિક તપાસ અનુસાર વૅન અટકી પડતાં તેનો ડ્રાઇવર અને હેલ્પર નજીકમાં મેકૅનિકને શોધવા ગયા હતા. ખેરવાડી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.
ખેરવાડી પોલીસ-સ્ટેશનનાં પોલીસ-ઇન્સ્પેક્ટર મેઘના બુરાન્ડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘રવિ અને તેના પિતા શ્રીમની મલાડમાં ફૂલનો વ્યવસાય કરતા હોવાથી તેઓ દાદર ફ્લાવર માર્કેટ ખાતે ફૂલો ખરીદવા જઈ રહ્યા હતા. પરોઢિયે ૬ વાગ્યે તેઓ વકોલા બ્રિજ પહોંચ્યા હતા, પણ તેમને ઊભેલી વૅન દેખાઈ નહોતી. જ્યારે રવિને વૅન દેખાઈ ત્યારે તેણે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો, પણ બાઇક વૅનની અંદર ઘૂસી ગઈ હતી, જેમાં બન્નેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.’
ADVERTISEMENT
ડ્રાઇવર મંગેની મલ્હાલેએ તેની મહિન્દ્ર પિક-અપ વૅન વાકોલા બ્રિજ પર પાર્ક કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ અન્ય વાહનો સતર્ક રહે એ માટેનું ઇન્ડિકેટર ચાલુ કર્યું ન હતું અને તે વાહનને સલામતી વિના બ્રિજ પર છોડી ગયો હતો. ખેરવાડી પોલીસે જાહેર માર્ગ પર જોખમ કે વિક્ષેપ સર્જવા બદલ હેલ્પરની પણ ધરપકડ કરી છે.
સ્થાનિકોએ અકસ્માત વિશે પોલીસને તાત્કાલિક જાણ કરી હતી અને તેમને સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત બાદ બન્ને આરોપીની તત્કાળ ધરપકડ થઈ હતી.

