આવું દુષ્કર્મ કરનાર આરોપી યુવતીની મમ્મીનો પ્રેમી હતો અને તેઓ સાથે રહેતાં હતાં : ચેન્નઈમાં હત્યા કરીને વિરારમાં છુપાયેલા આરોપીની ધરપકડ
ગઈ કાલે ચેન્નઈ પોલીસે આરોપી રાજુ મણિ નાયરને કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે હાજર કર્યો હતો. હનીફ પટેલ
મુંબઈ : ચેન્નઈમાં યુવતીની હત્યા કરીને તેના મૃતદેહ સાથે દુષ્કર્મ કરનારા ૨૮ વર્ષના આરોપીની વિરારમાં ધરપકડ કરવામાં આવી હતી. નેક્રોફિલિયાક (મૃતદેહ સાથે દુષ્કર્મ કરવામાં રસ ધરાવતી વ્યક્તિ)ની ઓળખ રાજુ મણિ નાયર તરીકે કરાઈ છે. તે ૧૨ નવેમ્બરે ચેન્નઈમાં યુવતીની હત્યા કર્યા બાદ વિરાર-પૂર્વમાં સંતાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી મરનાર યુવતીની મમ્મીનો પ્રેમી હતો તેમ જ આ ઘટના સમયે તે ઘરે નહોતી. એફઆઇઆરમાં યુવતીની મમ્મીએ જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તે ઑફિસથી આવી ત્યારે ઘરનો દરવાજો બહારથી બંધ હતો. ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે મારી દીકરી બેહોશ પડી હતી, શ્વાસ નહોતી લઈ રહી તેમ જ તેના ગળાની આસપાસ નિશાન જોવા મળ્યાં હતાં. તેનાં ઇયર-રિંગ્સ તથા ચાંદીની પાયલ ઉપરાંત ઘરમાંથી ૨૦,૦૦૦ રૂપિયા ગુમ હતાં. પાડોશીએ રાજુને દરવાજો બંધ કર્યા પછી ઉતાવળમાં નાસતો જોયો હોવાનું કહ્યું હતું.
રાજુએ અગાઉથી યોજના બનાવી હોવાની શંકા વ્યક્ત કરતાં પોલીસ ઑફિસરે કહ્યું હતું કે તેણે ઘટનાના દિવસે કિશોરીની મમ્મીને ફોન સાથે ન રાખવા કહ્યું હતું અને તે માની પણ ગઈ હતી.
પુનમલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં યુવતીની મમ્મીએ કહ્યું હતું કે ‘મારી દીકરીનાં લગ્ન થવાનાં હતાં અને રાજુ લગ્ન પહેલાં શારીરિક છૂટછાટ લઈ રહ્યો હતો. લગભગ ૧૫ દિવસ પહેલાં રાજુએ મારી દીકરીને અનિચ્છનીય સ્પર્શ કરતાં તે ગુસ્સે થઈ હતી અને ત્યારથી તે રાજુને નાપસંદ કરતી હતી.’
ફૉરેન્સિક ટીમે મરનાર યુવતીના શબ સાથે દુષ્કર્મ થયાની વાત મૌખિક રીતે જણાવ્યા બાદ અમે એફઆઇઆરમાં હત્યા અને ચોરી સાથે બળાત્કારની કલમ પણ ઉમેરી હતી એમ ચેન્નઈ પોલીસને આરોપીની ધરપકડમાં સહાય કરનાર વિરાર પોલીસે જણાવ્યું હતું.
પતિ સાથેના સંબંધોમાં દૂરી આવતાં મરનાર યુવતીની મમ્મી રાજુ સાથે રહેવા લાગી હતી. શરૂમાં તેનાં બંને બાળકો પતિ સાથે રહેતાં હતાં, પરંતુ રાજુએ બાળકોની સંભાળ રાખવાનું જણાવતાં થોડા મહિના પહેલાં જ તે પુત્રીને પોતાની સાથે રહેવા લઈ આવી હતી.
હત્યારાની ધરપકડ કેવી રીતે થઈ?
પોલીસે જણાવ્યું હતું કે ‘વિરાર આવીને રાજુ તેની પત્ની સાથે રહેવા લાગ્યો હતો. પોતાનો સેલફોન તેણે સ્વિચ્ડ-ઑફ કર્યો હતો, પરંતુ મૃતક યુવતી અને તેની મમ્મીનો ફોન તે પોતાની સાથે લાવ્યો હતો. એને થોડા દિવસ બાદ ચાલુ કરતાં ચેન્નઈ પોલીસ વિરાર પોલીસનો સંપર્ક કરીને તેની ધરપકડ કરવા વિરાર પહોંચી હતી. હવે રાજુને ચેન્નઈ લઈ જવાશે.’

