મુંબઈ : દોઢસો ફુટની ઊંચાઈએ હોર્ડિંગ પર લટકીને યુવકે ખાધો ગળાફાંસો
યુવકનો લટકતો મૃતદેહ
જોગેશ્વરી રેલવે-સ્ટેશન નજીકના એક હોર્ડિંગ પર ગઈ કાલે સવારે પોણાઆઠ વાગ્યે એક યુવકનો લટકતો મૃતદેહ જોવા મળતાં લોકો ચોંકી ઊઠ્યા હતા. હોર્ડિંગની બે સાઇડની વચ્ચેના ભાગમાં ડેડ-બૉડી દેખાયા બાદ પોલીસને કોઈકે જાણ કરતાં ફાયર-બ્રિગેડની મદદથી મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી દેવાયો હતો. એક પ્રાઇવેટ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો યુવક આટલે ઊંચે કેવી રીતે ચડ્યો અને તેણે કયા કારણસર આ પગલું ભર્યું છે એની તપાસ આંબોલી પોલીસે હાથ ધરી છે.
જોગેશ્વરી (વેસ્ટ)માં રેલવે-સ્ટેશન નજીક આવેલી હબિયા મસ્જિદની સામેના એક તોતિંગ હોર્ડિંગ પર દોઢસો ફુટની ઊંચાઈએ એક યુવક લટકી રહ્યો હોવાની માહિતી સવારે ૭.૪૫ વાગ્યે આંબોલી પોલીસને કોઈકે જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ ઊંચાઈએ હોવાથી તે નીચે ઉતારવા માટે ફાયર-બ્રિગેડને બોલાવાઈ હતી. દોઢેક કલાકની મહેનત બાદ દોરીનો ગળાફાંસો કરીને લટકી ગયેલા યુવકના મૃતદેહને નીચે ઉતારાયો હતો. ગોરેગામમાં આવેલા સિદ્ધાર્થ પોસ્ટમૉર્ટમ સેન્ટરમાં બાદમાં મૃતદેહને મોકલી દેવાયો હતો.
ADVERTISEMENT
આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સોમેશ્વર કામઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગળેફાંસો ખાધેલા યુવકના ખિસ્સામાંથી એક મોબાઇલ મળ્યો હતો. મોબાઇલમાં છેલ્લે થયેલી વાતચીતના નંબર પર ફોન કરીને યુવકના મામાના દીકરા ડુબલુ જુનીલાલ હસદાને પોલીસ-સ્ટેશનમાં બોલાવાયો હતો. તેણે ગળેફાંસો ખાનારો શ્યામ કિશોર હેમબ્રા હોવાનું કહ્યું હતું. ૧૮ વર્ષનો શ્યામ જોગેશ્વરી (વેસ્ટ)માં જેબીએલ નામની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. તેણે આ પગલું શા માટે ભર્યું અને રાત્રે તે હોર્ડિંગ પર આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યો હતો એની તપાસ હાથ ધરાઈ છે.’

