વિજય સાષ્ટેનો આરોપ છે કે આ જમીનના મામલામાં પુણે પોલીસ પોતાને હેરાન કરી રહી છે જેને કારણે છ વર્ષથી આ મામલામાં ન્યાય નથી મળી રહ્યો.
૪૧ વર્ષના વિજય સાષ્ટે
દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયમાં ગઈ કાલે બપોર બાદ ત્રણેક વાગ્યે પુણેથી મુંબઈ આવેલા ૪૧ વર્ષના વિજય સાષ્ટેએ સાતમે માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પહેલા અને બીજા માળની વચ્ચે મંત્રાલયમાં સેફ્ટી-નેટ બાંધવામાં આવી છે એના પર આ વ્યક્તિ પડી હતી એટલે તેને કેટલીક મામૂલી ઈજા થઈ હતી, પણ જીવ બચી ગયો હતો. મંત્રાલયના સિક્યૉરિટી ગાર્ડ્સ અને પોલીસે નેટ પર પડેલી વ્યક્તિને બાદમાં નીચે ઉતારી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે નાશિકમાં રહેતા વિજય સાષ્ટે પુણેની પશુઓને ચરાવવા માટેની સરકારી જમીન ગેરકાયદે વેચી નાખવામાં આવી હોવા સંબંધી અરજી મુખ્ય પ્રધાનની ઑફિસમાં આપવા માટે આવ્યો હતો. આ કહેવાતા કૌભાંડમાં પુણે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તેનું કહેવું છે. વિજય સાષ્ટેનો આરોપ છે કે આ જમીનના મામલામાં પુણે પોલીસ પોતાને હેરાન કરી રહી છે જેને કારણે છ વર્ષથી આ મામલામાં ન્યાય નથી મળી રહ્યો.
આથી હતાશમાં આવીને મંત્રાલયમાંથી જમ્પ મારીને આત્મહત્યા કરવા તે મુંબઈ આવ્યો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારના કામકાજથી નારાજ લોકો મંત્રાલયમાં જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આત્મહત્યાની ઘટનાને રોકવા માટે મંત્રાલયમાં પહેલા અને બીજા માળની વચ્ચે સેફ્ટી-નેટ બાંધવામાં આવી છે.

