Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં પહેલી વાર થઈ રહેલી ડિજિટલ વસ્તીગણતરીની મહારાષ્ટ્રમાં શરૂઆત

દેશમાં પહેલી વાર થઈ રહેલી ડિજિટલ વસ્તીગણતરીની મહારાષ્ટ્રમાં શરૂઆત

Published : 02 May, 2026 12:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલા તબક્કામાં સ્વ-નોંધણી કરીને હાઉસ-લિસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફૅમિલી સાથે સ્વ-નોંધણીની પ્રક્રિયા પૂરી કરી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફૅમિલી સાથે સ્વ-નોંધણીની પ્રક્રિયા પૂરી કરી


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં વસ્તીગણતરી 2027 માટે સેલ્ફ-એન્યુમરેશન એટલે કે સ્વ-નોંધણી અભિયાનનું ગઈ કાલે ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ મહારાષ્ટ્રમાં વસ્તીગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ હતી. મુખ્ય પ્રધાને પોતાના નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતે ડિજિટલ રોલઆઉટના ભાગરૂપે સ્વ-નોંધણી પૂર્ણ કરી હતી. થાણેમાં વસ્તીગણતરી પ્રક્રિયા શરૂ કરાવીને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ તેમની સ્વ-નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

પહેલી વાર દેશમાં સ્માર્ટફોન દ્વારા ડિજિટલ વસ્તીગણતરી કરવામાં આવી રહી છે; જેમાં હાઉસહોલ્ડ ડેટા, પ્રૉપર્ટી અને એની સ્થિતિ સહિત સ્વ-નોંધણી કરવામાં આવશે. પહેલી મેથી ૧૪ જૂન સુધી ચાલનારા પહેલા તબક્કામાં હાઉસહોલ્ડ લિસ્ટ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વસ્તીગણતરી માટેનો બીજો તબક્કો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થશે.



સ્વ-ગણતરીનો તબક્કો ૧૫ મે સુધી ચાલશે. નાગરિકો se.census.gov.in પર લૉગિન કરીને તેમના ઘરની વિગતો ભરી શકશે. ઘરનો કોઈ પણ સભ્ય સ્વ-નોંધણી કરી શકે છે અને આ પ્રક્રિયામાં પંદરથી ૨૦ મિનિટ લાગશે. ત્યાર બાદ રજિસ્ટર્ડ ઈ-મેઇલ અથવા મોબાઇલ-નંબર પર તેમનો સેલ્ફ-એન્યુમરેશન આઇડેન્ટિટી (SE ID) નંબર મોકલવામાં આવશે.


સ્વ-નોંધણી માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. ત્યાર બાદ સેન્સસ અધિકારી તમારા ઘરે આવે ત્યારે તેમને SE ID શૅર કરવો પડશે અને ચકાસણી બાદ તમામ વિગતો અપલોડ કરવામાં આવશે. SMS અથવા વન ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા વસ્તીગણતરી સંબંધિત તમામ કમ્યુનિકેશનમાં કીવર્ડ તરીકે RGICEN લખેલું હશે.

કોઈ પરિવારે સ્વ-નોંધણીમાં ભાગ લીધો હોય કે ન હોય, વસ્તીગણતરીનો સ્ટાફ ૧૬ મેથી ૧૪ જૂન દરમ્યાન દરેક ઘરે જઈને હાઉસહોલ્ડ ડેટા એકત્રિત કરશે. 


હાઉસ-લિસ્ટિંગના ડેટા માટે ૩૩ પ્રશ્નોના જવાબ આપવાના છે

ઘરની દીવાલ અને છત શેની બનેલી છે, ઘરના મોભીનું લિંગ, જાતિ, ઘરમાં રૂમની સંખ્યા, ટૉઇલેટ, પરિણીત દંપતીની સંખ્યા, પીવાના પાણીનો મુખ્ય સ્રોત, લાઇટ અને ફ્યુઅલ, ટૂ-વ્હીલર કે ફોરવ્હીલરની સંખ્યા, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) કનેક્શનની ઉપલબ્ધતા અને ટીવી અથવા ઇન્ટરનેટ ઍક્સેસ જેવા પ્રશ્નોનો સમાવેશ છે. આમાં એક નવો પ્રશ્ન છે કે ઘરમાં કયા મુખ્ય અનાજનો વપરાશ થાય છે.

કેવી રીતે થશે સેલ્ફ-એન્યુમરેશન

se.census.gov.in પર લૉગિન કરવાનું રહેશે.

રજિસ્ટર્ડ મોબાઇલ-નંબર પર OTP મોકલવામાં આવશે.

રાજ્ય, જિલ્લો અને સ્થાનિક રેસિડેન્શિયલ માહિતી પર ક્લિક કરો.

ડિજિટલ નકશા પર તમારા ઘરને લોકેટ કરો.

ઘર અને પરિવારને લગતા પ્રશ્નોના જવાબ આપો.

માહિતી સબમિટ કર્યા બાદ SE ID જનરેટ થશે.

એન્યુમરેટર ઘરની મુલાકાત લે ત્યારે SE ID આપીને વિગતો પ્રમાણિત કરાવો.

વસ્તીગણતરીની માહિતી ગુપ્ત છે અને એનો ઉપયોગ પોલીસકેસમાં કરી શકાતો નથી અથવા રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાયદા હેઠળ પણ માગી શકાતો નથી. સેલ્ફ-એન્યુમરેશનની પ્રક્રિયા ફરજિયાત નથી અને સંપત્તિની માહિતી આપવી ફરજિયાત નથી. 

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK