અપક્ષ ચૂંટાયેલા સંસદસભ્યે કૉન્ગ્રેસના ઉમેદવાર સામે અપક્ષને ટેકો જાહેર કર્યો
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણીમાં સાંગલી લોકસભા બેઠક પર મહા વિકાસ આઘાડીમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ જાહેર કરેલા ઉમેદવાર સામે કૉન્ગ્રેસમાં બળવો કરીને વિશાલ પાટીલે અપક્ષ ચૂંટણી લડી હતી. અપક્ષ ઊભા રહ્યા બાદ પણ વિશાલ પાટીલ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે પૃથ્વીરાજ પાટીલને ઉમેદવારી આપી છે. આથી જયશ્રી પાટીલે નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સાંગલીના સંસદસભ્ય વિશાલ પાટીલે કૉન્ગ્રેસના ઉમેદવારને બદલે અપક્ષ જયશ્રી પાટીલને ટેકો આપ્યો છે. આથી સાંગલીમાં લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તન થયું છે. આથી સાંગલીમાં કૉન્ગ્રેસની મુશ્કેલી વધી છે. વિશાલ પાટીલે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ વસંતદાદા પાટીલના પરિવાર સાથે સતત અન્યાય કરી રહી છે. સાંગલીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર પૃથ્વીરાજ પાટીલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવી શકે એમ નથી એટલે અપક્ષ ચૂંટણી લડી રહેલાં જયશ્રી પાટીલ જ મહા વિકાસ આઘાડીનાં ઉમેદવાર છે.’