ઉદ્ધવ ઠાકરે સતત ખોખાં-ખોખાંનું રટણ કરી રહ્યા હોવાથી એનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો જવાબ
ફાઇલ તસવીર
શિવસેનાપ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ખેડૂતોની સભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર જોરદાર પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કરેલી ટીકાનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુવાહાટીમાં કામાખ્યા દેવીનાં દર્શન કર્યા બાદ મુંબઈ પાછા ફરતી વખતે કહ્યું હતું કે ‘હું જે કંઈ કરું છું એ ખુલ્લેઆમ કરું છું. ચોરીછૂપીથી કંઈ કરતો નથી. મોટાં-મોટાં ખોખાં, ફ્રીજ જ નહીં, કન્ટેનર કરીને ખોખાં કોની પાસે જઈ શકે, તે કોણ પચાવી શકે એ બધાને ખબર છે. એક દિવસ મહારાષ્ટ્રની જનતા સામે આવશે.’
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વધુમાં કહ્યું હતું કે ‘તેમની પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય, તેમની માનસિકતા તૂટી પડી છે. જે કંઈ મૉરલ છે એ દેખાતું જ નથી. નિરાશામાં હોવાથી તેઓ અમારી સતત ટીકા કરી રહ્યા છે. મને લાગતું હતું કે તેમને કેટલાક સમય બાદ નિરાશા આવશે, પણ એ વહેલી આવી ગઈ છે. પહેલાં પણ મહારાષ્ટ્રમાં નિરાશાનું વાતાવરણ હતું, એક નેગેટિવિટી હતી. જોકે નવી સરકાર બન્યા બાદ સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો પણ અમારા માટે સારો મત ધરાવે છે. તેમને એક પછી એક કરીને ઝટકા લાગી રહ્યા છે, જેમાંથી તેઓ બહાર નથી આવી શકતા એટલે તેઓ આવું બોલી રહ્યા છે.’
ADVERTISEMENT
શિંદે જૂથના ૧૧ વિધાનસભ્ય ગુવાહાટી કેમ ન ગયા?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના સહયોગીઓ સાથે ગુવાહાટીમાં કામાખ્યા દેવીનાં દર્શને ગયા હતા. જોકે આ સમયે તેમની સાથે જોડાયેલા ૧૧ વિધાનસભ્યો ગુવાહાટી નહોતા ગયા એટલે તેમની વચ્ચે ફૂટ પડી હોવાની ચર્ચા થઈ રહી છે. એકનાથ શિંદે સરકારના ચાર પ્રધાન, ચાર વિધાનસભ્ય અને ત્રણ સંસદસભ્ય કામાખ્યા દેવીનાં દર્શને ન ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલ સત્તાર, તાનાજી સાવંત, શંભુરાજ દેસાઈ, ગુલાબરાવ પાટીલ, સંજય ગાયકવાડ, મહેશ શિંદે, ચંદ્રકાંત પાટીલ, અનિલ બાબર, સંસદસભ્ય સંજય મંડલિક, ધૈર્યશીલ માને, શ્રીરંગ બારણે વ્યક્તિગત કારણ જણાવીને ગુવાહાટી ન ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
દેવીદર્શનની મશ્કરી કરનારાઓ પર દેવીનો કોપ ઊતરશે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના સહયોગીઓ સાથે ગુવાહાટીમાં કામાખ્યા દેવીનાં દર્શને ગયા હતા એના પર ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓએ ટીકા કરવાની સાથે મશ્કરી કરી હતી. એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય યોગેશ કદમે આ વિશે કહ્યું હતું કે ‘ભારતની બાર શક્તિપીઠમાંની એક એવી શ્રી કામાખ્યા દેવીનાં દર્શને અમે ગયા હતા. વિરોધીઓ આ દેવીની મશ્કરી ઉડાવી રહ્યા છે તો તેમના પર દેવીનો કોપ ઊતરશે. વિરોધીઓએ એનાં પરિણામ ભોગવવા પડશે.’
છત્રપતિનું અપમાન કરનારાઓના વિરોધમાં સાથે આવવાનું આહ્વાન
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું હોવાનો દાવો કરીને વિરોધીઓ તેમની ટીકા કરી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે છત્રપતિનું અપમાન કરનારાઓ સામે મોરચો માંડવા માટે બધાએ સાથે આવવાનું આહ્વાન કરતાં તેમણે છત્રપતિના વારસદાર ઉદયનરાજે ભોસલેને કર્યું છે.
અનિલ પરબની મુશ્કેલી વધશે?
શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબના નજીકના મનાતા સદાનંદ કદમ સામે મની લૉન્ડરિંગનો કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ આ વર્ષે મે મહિનામાં નોંધ્યો હતો. હવે આ મામલામાં સમન્સ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રત્નાગિરિના દાપોલીમાં સાંઈ રિસૉર્ટ સદાનંદ કદમના નામે હોવાનો દાવો અનિલ પરબે કર્યો હતો. જોકે બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કેટલાક પુરાવા રજૂ કરીને આ રિસૉર્ટ અનિલ પરબનો જ હોવાનો દાવો કર્યો હતો અને રિસૉર્ટ તોડી પાડવા માટેની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
મહિલા પંચે બાબા રામદેવ પાસે જવાબ માગ્યો
શુક્રવારે થાણેમાં એક કાર્યક્રમમાં યોગગુરુ બાબા રામદેવે મહિલાઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સંબંધે મહારાષ્ટ્ર મહિલા પંચે ત્રણ દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. બાબા રામદેવને મહિલા પંચે મોકલેલી નોટિસમાં લખ્યું છે કે ‘તમારી અશોભનીય ટિપ્પણીના વિરોધમાં મહિલા પંચને એક ફરિયાદ મળી છે, જેમાં આપની ટિપ્પણીથી મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે છે. આથી આપ આ સંબંધે ત્રણ દિવસમાં જવાબ આપો.’ ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે થાણેમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મહિલાઓ સાડી અને સલવાર-કુરતામાં પણ સુંદર લાગે છે અને મારી નજરમાં તેઓ કંઈ પણ પહેરે તો પણ સારી લાગે છે.’ બાબા રામદેવના આ નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે.