Mumbai LPG Crisis: મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેનો અને પ્રીમિયમ ટ્રેનોમાં ખાણીપીણીનું સંકટ ઉભું થયું છે. ધારાવીના ઈડલી ઉદ્યોગથી લઈને રાજધાની એક્સપ્રેસના કિચન સુધી બધે જ હોબાળો મચ્યો છે.
પ્રતિકાત્મક તસવીર - એઆઈ
કી હાઇલાઇટ્સ
- ભોપું વગાડી ઈડલી વેચવાવાળો ન દેખાય તો સમજજો કે LPGની અછત તેનું કારણ છે
- ટ્રેનમાં ગરમ ખાવાનું ન મળે તો આઘાત ન પામતા કારણકે ગેસ વગર રાંધવું શક્ય નથી
- ઈડલી, સમોસા, વડા પાંવની દેખા દેવાની ફ્રિકવન્સી ઘટી ગઈ છે કારણકે ગેસ ઉપલબ્ધ નથી
મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગની સીધી અને માઠી અસર હવે મુંબઈગરાના રોજિંદા જીવન પર પડવા લાગી છે. ભારત પોતાની જરૂરિયાતનો આશરે 60% LPG આયાત કરે છે, જેમાંથી 90% હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) મારફતે આવે છે. હાલ યુદ્ધના કારણે આ માર્ગ પ્રભાવિત થતા દેશમાં રાંધણ ગેસની ભારે અછત સર્જાઈ છે, જેની સૌથી વધુ અસર મુંબઈના રેલવે નેટવર્ક અને ફૂડ વેન્ડર્સ પર પડી છે.
ADVERTISEMENT
પ્રીમિયમ ટ્રેનોમાં તાજું ભોજન બંધ, `રેડી-ટુ-ઈટ`નો સહારો
રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના સેવરીમાં આવેલું IRCTCનું ક્લાઉડ કિચન, જે મધ્ય અને પશ્ચિમ રેલવેના આશરે 4,500 મુસાફરો માટે રોજનું ભોજન તૈયાર કરે છે, તે LPGની અછતને કારણે ઠપ્પ થઈ ગયું છે. આ કિચન વંદે ભારત, રાજધાની, દુરંતો અને તેજસ જેવી VIP ટ્રેનોને ભોજન સપ્લાય કરે છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રેલવે પ્રશાસને હવે બેકઅપ પ્લાન તરીકે રાજધાની જેવી ટ્રેનોમાં તાજા ભોજનને બદલે `રેડી-ટુ-ઈટ` ફૂડ પેકેટ્સનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે.
લોકલ સ્ટેશનો પર વડાપાઉં અને સમોસા પર બ્રેક
મુંબઈ લોકલના મુસાફરો માટે તેમના મનપસંદ સ્નેક્સ જેવા કે વડાપાઉં, સમોસા અને બ્રેડ પકોડા હવે લક્ઝરી બની શકે છે. રેલવેના કુલ 460 થી વધુ ફૂડ સ્ટોલ્સ પર તળેલી વસ્તુઓ બનાવવી મુશ્કેલ બની છે કારણ કે તેમાં LPGનો વપરાશ વધુ થાય છે. IRCTC એ સલાહ આપી છે કે સ્ટોલ ધારકોએ હવે માઈક્રોવેવ અને ઈન્ડક્શન જેવા વૈકલ્પિક સાધનો પર નિર્ભર રહેવું પડશે.
ધારાવીનો `ઈડલી ઉદ્યોગ` મરણતોલ અવસ્થામાં
બીજી તરફ, મુંબઈના રસ્તાઓ પર મળતી સસ્તી અને પૌષ્ટિક ઈડલી-વડાનો સપ્લાય પણ ખોરવાયો છે. ધારાવીની ગલીઓમાં ચાલતી નાની ફેક્ટરીઓ, જ્યાં રોજની 1 લાખથી વધુ ઈડલી બને છે, તે LPG વિના બંધ પડી છે. વેપારીઓનો આરોપ છે કે તેઓ ડબલ ભાવ ચૂકવવા તૈયાર હોવા છતાં ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી. પલાળેલા ચોખા અને દાળ બગડી રહ્યા છે અને વેપારીઓને દુકાનનું ભાડું ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે. ઘણા નાના કારીગરો હવે વતનમાં પરત ફરવાનું વિચારી રહ્યા છે.
નવા નિયમો અને ભવિષ્યની સુરક્ષા
આ કટોકટી વચ્ચે સરકારે LPG બુકિંગના નિયમો કડક કર્યા છે, જેમાં બે સિલિન્ડર વચ્ચેનો ગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. ભારત સરકાર હવે ક્રૂડ ઓઈલની તર્જ પર `સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વ` બનાવવાની દિશામાં કામ કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી વૈશ્વિક કટોકટી વખતે દેશના રસોડા સુરક્ષિત રહી શકે.
