ઝોયા ખાનની એક કરોડ રૂપિયાના હેરોઇન સાથે ધરપકડ : તિહાડ જેલમાં બંધ ગૅન્ગસ્ટર હાશિમ બાબાની ત્રીજા નંબરની પત્ની છે
ઝોયા ખાન
દિલ્હી પોલીસે લેડી ડૉન ઝોયા ખાનની એક કરોડ રૂપિયાની કિંમતના ૨૭૦ ગ્રામ હેરોઇન સાથે ધરપકડ કરી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી તે પોતાના ગૅન્ગસ્ટર પતિ હાશિમ બાબાનો તમામ ગેરકાનૂની વ્યવસાય સંભાળી રહી હતી. તે એટલી ચાલાક હતી કે સિક્યૉરિટી એજન્સીઓને તેની સામે એક પણ પુરાવો મળતો નહોતો, પણ સ્પેશ્યલ સેલે તેને હેરોઇન સાથે ડ્રગ્સ કેસમાં ઝડપી લીધી હતી.
બુધવારે સ્પેશ્યલ સેલને માહિતી મળી હતી કે ઝોયા ડ્રગ્સ સપ્લાય કરવા જવાની છે અને પોલીસે જાળ બિછાવીને તેને નૉર્થ ઈસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી. તેની પાસે મળેલા હેરોઇનની કિંમત ઇન્ટરનૅશનલ માર્કેટમાં એક કરોડ રૂપિયા છે. તેણે આ ડ્રગ્સ મુઝફ્ફરનગરથી મગાવ્યું હતું અને આગળ સપ્લાય કરવાની હતી.
ADVERTISEMENT
૩૩ વર્ષની ઝોયા ખાન નૉર્થ ઈસ્ટ દિલ્હીની રહેવાસી છે અને ગૅન્ગસ્ટર હાશિમ બાબાની ત્રીજી પત્ની છે. ૨૦૧૪માં તેનાં પહેલાં લગ્ન થયાં હતાં, પણ પતિ સાથે તલાક લીધા બાદ ૨૦૧૭થી તે હાશિમ બાબા સાથે તેની ત્રીજી પત્ની તરીકે રહેતી હતી. ઝોયાને ખબર છે કે હાશિમ બાબા દિલ્હીનો મોટો ગૅન્ગસ્ટર છે અને તેની સામે હત્યા, લૂંટ, ખંડણી-વસૂલી અને આર્મ્સ ઍક્ટના અનેક કેસ નોંધાયેલા છે. હાલમાં તે તિહાડ જેલમાં બંધ છે.
ઝોયાના અનોખા શોખ
ઝોયા ખાનને મોંઘાં કપડાં અને બ્રૅન્ડેડ ચીજો પસંદ છે. તે હાઇ-ફાઇ લાઇફસ્ટાઇલમાં જીવે છે. તેને પેજ-૩ પાર્ટીમાં જવાનો પણ શોખ છે. તેનાં કનેક્શન મોટા લોકો અને બિઝનેસમેન સાથે છે. સોશ્યલ મીડિયામાં પણ તેની શ્રીમંતાઈ સ્પષ્ટ નજરે પડતી હતી. ઝોયાની મમ્મી પણ સેક્સ-રૅકેટના એક કેસમાં જેલ જઈ ચૂકી છે. હાલમાં તે જામીન પર છૂટી છે. તેના પિતા પણ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા હતા.

