ભાડાવધારો સરકાર માટે મુસીબત નોતરી રહ્યો છે?
ઘાટકોપર-વિક્રોલી હાઇવે પર મીટર રીકૅલિબ્રેટ કરાવવા શુક્રવારે લાઇનમાં ઊભા રહેલા રિક્ષાચાલકો (તસવીર: આશિષ રાજે)
હેરમાં રિક્ષા-ટૅક્સીનાં ભાડાંમાં કરાયેલો વધારો સરકાર માટે મુશ્કેલી બની રહ્યો હોય એમ જણાય છે. શુક્રવારે ઘાટકોપરમાં અચાનક બે વિરોધ-પ્રદર્શન યોજાયાં હતાં. એક, મીટર રીકૅલિબ્રેટ કરાવવા માટે રાહ જોઈ રહેલા ડ્રાઇવરો દ્વારા અને બીજું, કૅલિબ્રેટર્સ દ્વારા.
ઘાટકોપરમાં કામચલાઉ કેન્દ્રમાં કામ કરી રહેલા મીટર કૅલિબ્રેટર્સે રિક્ષાદીઠ તેમનો ચાર્જ વધારવાની માગણી કરી હતી. પરિવહન વિભાગ સાથેની બેઠકમાં તેમણે તેમની માગણી રજૂ કરી હતી, પણ કશો અર્થ સર્યો નહોતો.
ADVERTISEMENT
કૅલિબ્રેટર્સે વધારાના પૈસાની માગણી કરતાં ગુરુવાર રાતથી રીકૅલિબ્રેશન માટે રાહ જોઈ રહેલા રિક્ષા-ટૅક્સી ડ્રાઇવરોની ધીરજ આખરે ખૂટી ગઈ હતી એટલે તેમણે ધરણાં કર્યાં હતાં, જેના કારણે હાઇવે બ્લૉક થઈ ગયો હતો.
ગુરુવાર રાતથી લાઇનમાં ઊભેલા ઑટો-ડ્રાઇવર અશોક રણજિત ચવાણે જણાવ્યું કે ‘અમારો નંબર આજે સવારે આવ્યો હતો. મીટર કૅલિબ્રેટર્સે ૧૫-૨૦ ઑટો ક્લિયર કરી હતી. પછી અચાનક તેઓ બાકીના રિક્ષાચાલકો પાસેથી આરટીઓ સ્ટૅમ્પ સાથેની રિસીટની માગણી કરવા લાગ્યા હતા. આમ કરવામાં અમારી લાઇન ખોરવાઈ જાય એમ હતું. સાથે જ તેમણે ૭૦૦ રૂપિયાના ચાર્જ ઉપરાંત ૨૫૦ રૂપિયાની માગણી કરી હતી જેને કારણે વિરોધનો સૂર ઊઠ્યો હતો.’
અન્ય રિક્ષાચાલકે કહ્યું હતું કે ‘સરકારે ખોટા સમયે ભાડું વધારીને બિનજરૂરી મુદ્દો ઊભો કર્યો છે. કોઈને એની જરૂર નહોતી અને કોઈ તૈયાર પણ નથી. સ્ટાફ સુધ્ધાં નહીં.’

