સાંતાક્રુઝમાં બેકાબૂ ટોળાએ મોબાઇલ ચોરને પતાવી નાખ્યો
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝમાં ગઈ કાલે ચોંકાવનારી ઘટના ઘટી હતી, જેમાં એક ગાર્ડનમાં મોબાઇલ ચોરી કરવા આવેલા યુવકને સ્થાનિકોએ પકડીને એટલો બધો માર માર્યો હતો કે શંકાસ્પદ ચોર યુવાનનું મૃત્યુ થયું હતું. સાંતાક્રુઝ પોલીસે હત્યાના આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે હાલમાં તપાસ હાથ ધરાઈ છે. યુવકનું મૃત્યુ કેવી રીતે થયું છે તે પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં જણાશે, જેને આધારે તપાસ હાથ ધરાશે.
પોલીસના જણાવ્યા અનુસાર સાંતાક્રુઝ પશ્ચિમમાં મુક્તાનંદ પાર્કમાં ગઈ કાલે આ ઘટના બની હતી. પાલિકાના આ મેદાનમાં નૂતનીકરણનું કામ ચાલુ હતું ત્યારે કામ કરવા આવેલા મજૂરો રાત્રે મોબાઇલ ચાર્જિંગ કરવા ગાર્ડનના મેન ઑફિસમાં લગાડીને સૂતા હતા. આ સમયે ચોરી કરવા આવેલા સૈજાદ ખાને મોબાઇલ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ પીછો કરીને તેને પકડી લોખંડના થાંભલા સાથે બાંધી દીધો હતો. તે પછી ૩૦ વર્ષના યુવક સૈજાદ ખાનને બધાએ કથિત રીતે લાકડીઓથી ફટકાર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હોવાની માહિતી પોલીસને મળી હતી. સાંતાક્રુઝ પોલીસે આ કેસમાં છ શકમંદોની ધરપકડ કરી છે.
સાતાક્રુઝ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇસ્પેકટર શ્રીરામ કોરગાંવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સામે ૩૦૨ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી શંકાસ્પદ એવા છ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. એ ઉપરાંત મૃતકનું પોસ્ટમૉર્ટમ થયા બાદ વધુ તપાસ હાથ ધરાશે.’

