હાલમાં બીએમસીમાં લોકપ્રતિનિધિઓ (નગરસેવકો) નથી અને એનો કારભાર ઍડ્મિનિસ્ટ્રેટર ચલાવી રહ્યા છે
અજિત પવાર
મુંબઈ : વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અજિત પવારે ગઈ કાલે હાઉસમાં કહ્યું હતું કે છેલ્લાં અઢી વર્ષથી બીએમસીનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને હાલમાં ઍડ્મિનિટ્રેટર દ્વારા કામકાજ ચલાવાઈ રહ્યું છે. વળી તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે બીએમસી અને સ્વાયત્ત સંસ્થાનાં નાણાંનો ઉપયોગ લોકોના કામ માટે ન કરતાં મુખ્ય પ્રધાનની જાહેરાત કરવા પાછળ થઈ રહ્યો છે જે યોગ્ય નથી એટલે બીએમસી સહિત અન્ય બધી સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી વહેલી તકે કરવામાં આવે.
હાલમાં બીએમસીમાં લોકપ્રતિનિધિઓ (નગરસેવકો) નથી અને એનો કારભાર ઍડ્મિનિસ્ટ્રેટર ચલાવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે એકનાથ શિંદેના વડપણ હેઠળની સરકારને ચૂંટણી કરાવવામાં કોઈ રસ જ નથી. જો નગરસેવકો, લોકપ્રતિનિધિઓ ન હોય તો સામાન્ય રીતે મોટા પ્રોજેક્ટ હાથ ધરાતા નથી. એમ છતાં ઍડ્મિનિસ્ટ્રેટર હેઠળ જ મુંબઈના ૪૦૦ કિલોમીટર લાંબા રસ્તાનું કૉન્ક્રીટાઇઝેશન કરવાનો અને ૭,૧૦૦ કરોડના ખર્ચે મુંબઈનું સુશોભીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ માહિમ કિલ્લાથી બાંદરા સુધીના સાઇકલ પ્રોજેક્ટને અટકાવી દેવાયો છે.