ગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મેળવ્યા બાદ પણ બીજેપી સત્તાથી વંચિત રહી છે. શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસે સાથે આવીને બહુમતીનો આંકડો મેળવીને મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના કરી છે. ૧૪,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતના સોમવારે જાહેર થયેલા રિઝલ્ટમાં પણ બીજેપીને સૌથી વધુ બેઠકો મળી છે, પરંતુ બાકીના ત્રણેય પક્ષ એકસાથે આવે તો અહીં પણ બીજેપીએ વિરોધી પક્ષમાં બેસવું પડે એવી સ્થિતિ છે. આથી નિષ્ણાતોના મતે બીજેપી રાજ ઠાકરેના પક્ષ મનસે અથવા વંચિત બહુજન આઘાડી સાથે હાથ મિલાવે તો જ સત્તા મેળવી શકશે.
રાજ્યની ૧૬૦૦ ગ્રામ પંચાયત બિનવિરોધ ચૂંટાઈ છે. આમાં સૌથી વધુ બેઠક શિવસેનાને મળી છે. આ સિવાયની ૧૩,૮૩૩ ગ્રામ પંચાયતમાંથી ૧૩,૭૬૯ બેઠકની યોજાયેલી ચૂંટણીનું રિઝલ્ટ સોમવારે જાહેર થઈ ચૂક્યું છે. કેટલીક બેઠકમાં ટેક્નિકલ ખામીને લીધે ગણતરી બાકી છે. જાહેર થયેલા રિઝલ્ટમાં બીજેપીને ૩૨૬૩, એનસીપીને ૨૯૯૯, શિવસેનાને ૨૮૦૮, કૉન્ગ્રેસને ૨૧૫૧, મનસેને ૩૮ અને સ્થાનિક ગ્રુપોને ૨૫૧૦ બેઠકો મળી છે. આ રિઝલ્ટ પર નજર નાખીએ તો મહાવિકાસ આઘાડી અને બીજેપીની યુતિની તુલનામાં મહાવિકાસ આઘાડીને ૮૦૦૦થી વધુ ગ્રામ પંચાયત મળી છે, જ્યારે સામે પક્ષે ૩૦૦૦થી થોડી વધુ બેઠકો છે. આમ આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીએ પ્રચંડ વિજય મેળવ્યો છે. જોકે રાજકીય પક્ષો પર નજર નાખીએ તો બીજેપી સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે.
ADVERTISEMENT
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષોના ચિહ્નો વિના યોજાય છે, પરંતુ સ્થાનિક સ્તરે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પોતાના ગ્રુપ બનાવીને ચૂંટણીમાં ઝંપલાવે છે. આથી મતદારો કોની સાથે છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આના પરથી જનાદેશ કોને મળ્યો છે એનો ખ્યાલ આવી જાય છે.
રાજકીય નિષ્ણાતોના મતે રાજ્યમાં સૌથી વધુ બેઠક મેળવ્યા બાદ પણ બીજેપી રાજ ઠાકરે કે વંચિત બહુજન આઘાડી સાથે યુતિ નહીં કરે તો તે સત્તાધારી મહાવિકાસ આઘાડી સામે ટકી નહીં શકે. આગામી ચૂંટણીમાં બીજેપી ફરી સૌથી વધુ બેઠકો મેળવી શકે છે, પરંતુ સત્તાના સમીકરણમાં મહાવિકાસ આઘાડી જ બાજી મારશે એવું ચિત્ર જોવા મળી રહ્યું છે. વિધાનસભામાં બીજેપી સૌથી વધુ બેઠકો મેળવ્યા બાદ પણ શિવસેનાએ એનસીપી અને કૉન્ગ્રેસને સાથે લઈને સરકારની સ્થાપના કરી હતી. આથી બીજેપી જો કોઈને સાથે નહીં લે તો તેણે ભવિષ્યમાં પણ વિરોધી પક્ષમાં જ બેસવું પડશે.
બીજેપીએ રાજ્યમાં સત્તા મેળવવી હશે તો મનસે સાથેની યુતિનો સૌથી સારો વિકલ્પ છે. મનસેને સાથે લેવા માટેના સંકેત બીજેપીએ આપ્યા પણ છે. જોકે એ માટે પરપ્રાંતિયનો મુદ્દો છોડવાની શરત બીજેપીએ મનસે સમક્ષ મૂકી છે. મનસે આ શરત નહીં માને તો પણ બીજેપીએ આગામી સમયમાં મનસે સાથે યુતિ કરવી પડશે. જેવી રીતે મહાવિકાસ આઘાડી કોમન મિનિમમ કાર્યક્રમ હેઠળ સાથે આવ્યા છે એવી રીતે બીજેપી અને મનસે હાથ મેળવી શકે છે. આમ નહીં થાય તો બીજેપીએ પહેલા વિધાન પરિષદ અને હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આવેલા રિઝલ્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે એકલે હાથે સત્તા મેળવવી મુશ્કેલ છે.
ગમતાનો કરીએ ગુલાલ
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી થયેલા પતિને ખભા પર બેસાડીને ઉજવણી કરતી મહિલાનો વિડિયો વાઇરલ થયો છે. પુણેના પાળુ ગામમાં આ ઘટના સોમવારે બની હતી. કોરોનાના સમયમાં વિજયી સરઘસ કાઢવા સામે પ્રતિબંધ હોવાથી રેણુકા ગુરવ નામની મહિલાએ વિજયી થયેલા પતિને ખભા પર બેસાડીને ગામમાં ફેરવ્યા હતા. ગામવાસીઓએ તેમના પર ગુલાલ નાખીને સ્વાગત કર્યું હતું.

