બૉક્સમાંથી મળી આવેલાં મગરનાં બચ્ચાં પાંચથી સાત ઇંચ લાંબાં હતાં
કસ્ટમ્સ વિભાગે બે પ્રવાસી પાસેથી જપ્ત કરેલાં મગરનાં બચ્ચાં.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના ઍર ઇન્ટેલિજન્સ યુનિટે બૉક્સ છુપાવીને દાણચોરી કરીને મગરનાં પાંચ બચ્ચાં લઈ જનારા બે પ્રવાસીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. કસ્ટમ્સ વિભાગના યુનિટ-બેના અધિકારીના જણાવ્યા મુજબ ‘શુક્રવારે મોડી રાતે બૅન્ગકૉકથી વિસ્તારા ઍરલાઇન્સની ફ્લાઇટમાં મુંબઈ પહોંચેલા બે પૅસેન્જરની તપાસ કરવામાં આવી હતી. તેમની પાસેથી હૅન્ડબૅગમાંથી ટૂથપેસ્ટનું એક બૉક્સ મળી આવ્યું હતું, જેમાં મગરનાં પાંચ બચ્ચાંને છુપાવવામાં આવ્યાં હોવાનું જણાયું હતું. આથી આ બન્ને પ્રવાસીઓની જંગલી પ્રાણીની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. બૉક્સમાંથી મળી આવેલાં મગરનાં બચ્ચાં પાંચથી સાત ઇંચ લાંબાં હતાં. શરીરમાંથી પાણીની માત્રા ઓછી થઈ જવાથી આ બચ્ચાં મુશ્કેલીમાં હતાં. બાદમાં તેમને સારવાર આપવામાં આવી હતી.’