આખરે નૅશનલ પાર્કમાં જોવા મળ્યું ગોલ્ડન જેકલ
સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ગોલ્ડન જેકલ (સોનેરી શિયાળ)ની હાજરી હોવાની લાંબા સમયથી ચાલી આવતી માન્યતા પર આખરે તસવીરના પુરાવા સાથે પુષ્ટિની મહોર લાગી ગઈ છે. સંરક્ષિત જંગલમાં સઘન કૅમેરા ટ્રેપિંગ હોવા છતાં શિયાળની આ પ્રજાતિ અત્યાર સુધી નજરે ચઢી નહોતી.
૨૩ ડિસેમ્બરની બપોરે આ પ્રાણીને નજરે જોનારા રેન્જ ફોરેસ્ટ અધિકારી દિનેશ દેસાલેએ જણાવ્યા પ્રમાણે ‘હું જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શ્વાન જેવું પ્રાણી મારા વાહનથી અમુક મીટર જ આગળ જોઈને મને નવાઈ લાગી. હું સમજી ગયો કે તે ગોલ્ડન જેકલ હતું. એક પણ ક્ષણ બગાડ્યા વિના મેં તેનો વિડિયો લઈ લીધો. પાર્કમાં શિયાળ દેખાયાના અહેવાલ હતા, પણ ફોટોગ્રાફિક રેકૉર્ડ નહોતો.’
ADVERTISEMENT
અધિકારીઓની ખુશી ત્યારે બેવડાઈ ગઈ હતી, જ્યારે એસજીએનપીની નાગલા રેન્જમાં આરએફઓ રાજેન્દ્ર પવાર દ્વારા ગોઠવેલા કૅમેરા ટ્રેપમાં પણ ૨૩ ડિસેમ્બરે મળસ્કે ગોલ્ડન જેકલ જોવા મળ્યું હતું.

