આશિષ શેલારે કહ્યું હતું કે એકનાથ ખડસેને ફરીથી BJPમાં સામેલ કરવા કે નહીં એનો નિર્ણય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે
એકનાથ ખડસે, દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ સાથેના ખટરાગને લીધે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડીને કટ્ટર દુશ્મન બની ગયેલા એકનાથ ખડસેએ મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાનની તેમના સાગર બંગલામાં મુલાકાત કરી હતી. આ મુલાકાતથી એકનાથ ખડસે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે સમાધાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે એકનાથ ખડસેએ મુખ્ય પ્રધાન સાથેની મુલાકાત બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે મારા મતદારક્ષેત્રના વિકાસકામ સંબંધે ચર્ચા કરવા માટે ગયો હતો. મુક્તાબાઈ મંદિર, માઇનોરિટીની એન્જિનિયરિંગ કૉલેજનું કામ અટકી ગયું છે. આથી આ કામ શરૂ કરવા માટે મુખ્ય પ્રધાનને નિવેદન આપ્યું હતું. આ સિવાય અમારી વચ્ચે કોઈ રાજકીય ચર્ચા નથી થઈ. અત્યારે BJPમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી. આ માત્ર અફવા છે એટલે એના પર ચર્ચા કરવી નિરર્થક છે.’
બન્ને નેતાઓની મીટિંગ વિશે રાજ્ય મંત્રીમંડળમાં પ્રધાન અને મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતું કે એકનાથ ખડસેને ફરીથી BJPમાં સામેલ કરવા કે નહીં એનો નિર્ણય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે. એકનાથ ખડસેએ ૨૦૨૦ના ઑક્ટોબરમાં BJP સાથે છેડો ફાડ્યા બાદ બન્ને નેતાઓએ પહેલી વાર મુલાકાત કરી હતી. ૨૦૧૪માં દેવેન્દ્ર ફડણવીસને જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે વરિષ્ઠ નેતા હોવાને લીધે બધાને એવું લાગતું હતું કે એકનાથ ખડસેને CM બનાવવામાં આવશે, પણ એવું નહોતું થયું. એકનાથ ખડસે અત્યારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) સાથે જોડાયેલા છે અને તેઓ વિધાનપરિષદના સભ્ય છે.

