કૉન્ગ્રેસના આરોપનો કેન્દ્રીય ઇલેક્શન કમિશને આપ્યો જવાબ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચૂંટણી વખતે પાંચ વાગ્યા પછી અચાનક મતદાનની ટકાવારીમાં વધારો થઈ જાય છે એવો આરોપ કૉન્ગ્રેસ પાર્ટીએ કર્યો હોવાથી આ આરોપના જવાબમાં કેન્દ્રીય ઇલેક્શન કમિશને ગઈ કાલે કહ્યું હતું કે મતદાનના ફાઇનલ આંકડા સાથે પાંચ વાગ્યે થયેલા મતદાનની સરખામણી ન થઈ શકે. આથી આવા આરોપ કરવા બરાબર નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આખા દિવસના મતદાનના આંકડા અને પાંચ વાગ્યા બાદની ટકાવારીમાં ફરક હોવાની ચિંતા કૉન્ગ્રેસે વ્યક્ત કરીને નવેમ્બર મહિનામાં ઇલેક્શન કમિશનમાં આ સંબંધી ફરિયાદ કરી હતી. ઇલેક્શન કમિશને ગઈ કાલે વિસ્તારથી જવાબ આપ્યો હતો જેમાં એણે એમ પણ કહ્યું હતું કે સાંજના પાંચ વાગ્યાથી રાતના ૧૧.૪૫ વાગ્યા સુધી મતદાનની ટકાવારી સામાન્ય રહી હતી. મતદાનના આંકડા બદલવાનું અશક્ય છે. મતદાનની માહિતી ઉમેદવારના ઑથોરાઇઝ્ડ એજન્ટ્સને મતદાન પૂરું થાય છે ત્યારે આપવામાં આવે છે. જે તે મતદાન-કેન્દ્રમાં કુલ મત પડ્યા હોય એટલા જ મત ગણતરી વખતે જાહેર કરવામાં આવે છે.

