ડૉક્ટરે પરિવારને કોરોનાથી બચાવી લીધો, પણ અકસ્માતે લીધો ભોગ
ગઈ કાલે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એક કન્ટેનરે ચાર વાહનોને અડફેટે લીધાં હતાં.
નવી મુંબઈ પાલિકાના એક ડૉક્ટરે પોતાના પરિવારજનોને કોરોનાથી બચાવવા માટે છેલ્લા ચાર મહિનાથી સોલાપુર રાખ્યા હતા. કોરોનાનો માહોલ થોડો હળવો થતાં સોમવારે રાતે તેઓ પરિવારજનોને લઈને પાછા આવતા હતા ત્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક અકસ્માતમાં ડૉક્ટર અને તેમના પરિવારના ૩ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટના ફૂડ મૉલ પાસે સોમવારે રાતે એક વાગ્યે એક કન્ટેનર સાથે ચાર વાહનો અથડાયાં હતાં. આ અકસ્માતમાં મુંબઈ તરફ આવી રહેલા નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍનિમલ ઑફિસર ડૉ. વૈભવ ઝુંઝર અને તેમના પરિવારના ૩ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. ડૉ. વૈભવ ઝુંઝર નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં છેલ્લાં ૧૪ વર્ષથી અનેક હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. કોરોનાના સમયગાળા દરમ્યાન તેમણે ચોવીસ કલાકની આરોગ્ય-સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા અને શહેરને કોરોનામુક્ત કરવા માટે રાત-દિવસ મહેનત કરી હતી. સોલાપુરથી આવતાં ચાર વાહનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સામસામે અથડાયાં હતાં. આ ભયાનક અકસ્માતમાં ડૉ. વૈભવ ઝુંઝર, પત્ની વૈશાલી ઝુંઝર, માતા ઉષા ઝુંઝર અને પુત્રી શ્રિયા ઝુંઝરનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત તેમનો પુત્ર અર્ણવ ઝુંઝર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

