દેવેન્દ્ર ફડણવીસ ૧૯૯૯માં પહેલી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એ પછી ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને હવે ૨૦૨૪ એમ સતત છ વખત વિધાનસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે
દેવેન્દ્ર ફડણવીસ
આજે સાંજે ૫.૩૦ વાગ્યે આઝાદ મેદાનમાં ત્રીજી વાર રાજ્યના મુખ્ય પ્રધાનપદના સોગંદ લેનારા દેવેન્દ્ર ફડણવીસ ૧૯૯૯માં પહેલી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એ પછી ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને હવે ૨૦૨૪ એમ સતત છ વખત વિધાનસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે. નગરસેવકથી લઈને રાજ્યના મુખ્ય પ્રધાન સુધીનો તેમનો રાજકીય પ્રવાસ અત્યંત રોમાંચક રહ્યો છે.
૨૦૧૪થી ૨૦૧૯ સુધીનાં પાંચ વર્ષ તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા હતા. ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિ હતી અને આ યુતિને લોકોએ સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો હતો, પણ મુખ્ય પ્રધાનપદને લઈને બન્ને પાર્ટી વચ્ચે વિખવાદ થવાથી વિરોધ પક્ષ સરકાર રચે એ પહેલાં જ દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર સાથે મળીને સત્તા સ્થાપી હતી અને તેઓ મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે ત્રણ જ દિવસમાં એ સરકાર ભાંગી પડી હતી. હવે ૨૦૨૪ની આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૧૩૨ બેઠકો મળી છે જે મહાયુતિના ત્રણેય પક્ષોમાં સૌથી વધુ છે. એથી ફરી એક વખત દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
કોણ છે દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ?
જન્મ : ૧૯૭૦ની ૨૨ જુલાઈ.
શિક્ષણ : નાગપુર યુનિવર્સિટીમાંથી ૧૯૯૨માં લૉની ડિગ્રી લીધી. એ પછી જર્મનીના બર્લિનમાં જઈ ત્યાંથી બિઝનેસ મૅનેજમેન્ટ અને પ્રોજેક્ટ મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી.
૧૯૯૨થી ૧૯૯૭ : નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નગરસેવક તરીકે ફરજ બજાવી.
૧૯૯૭થી ૨૦૦૧ : નાગપુર મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે બીજી ટર્મમાં કાર્યરત રહ્યા. આ વખતે તેઓ સૌથી નાની વયે નાગપુરના મેયર બન્યા હતા. ફેબ્રુઆરી ૧૯૯૯ સુધી તેઓ મેયરપદ પર રહ્યા.
૧૯૯૯ : નાગપુર સાઉથ-વેસ્ટ બેઠક પરથી પહેલી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.
૨૦૦૪ : બીજી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા. ત્યાર બાદ તેઓ ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને હવે ૨૦૨૪માં પણ વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે.
૨૦૧૪થી ૨૦૧૯ : રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા.
૨૦૧૯ : અજિત પવાર સાથે મળી સરકાર રચીને મુખ્ય પ્રધાન બન્યા, પણ એ સરકાર ત્રણ દિવસમાં પડી ભાંગી.
૨૦૧૯થી ૨૦૨૨ : વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવી.
૨૦૨૨થી ૨૦૨૪ : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન રહ્યા.
હવે ૫ ડિસેમ્બર ૨૦૨૪થી ત્રીજી વાર રાજ્યના મુખ્ય પ્રધાન બનશે.
દેવેન્દ્ર ફડણવીસનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવાસ |
|
૧૯૮૯ |
નાગપુરમાં વૉર્ડ સંયોજક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. |
૧૯૯૨ |
નાગપુરના ભારતીય જનતા યુવા મોરચા ઉપાધ્યક્ષ તરીકે કામ સંભાળ્યું. |
૧૯૯૪ |
ભારતીય જનતા યુવા મોરચાના મહારાષ્ટ્ર પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા. |
૨૦૦૧ |
ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા. |
૨૦૧૦ |
ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી બન્યા. |
૨૦૧૩ |
ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના અધ્યક્ષ બનાવવામાં આવતાં એ સમયે ચૂંટણી આવી રહી હોવાથી આખા મહારાષ્ટ્રમાં પ્રવાસ કરી પક્ષને મજબૂત કર્યો. |
૨૦૨૦ |
બિહારની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમને પ્રભારી બનાવ્યા. |
૨૦૨૨ |
ગોવાની ચૂંટણીમાં પણ તેમને પક્ષના પ્રભારી બનાવવામાં આવ્યા. |
આંતરરાષ્ટ્રીય યોગદાન
૧૯૮૯ અમેરિકામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ શિખર પરિષદમાં ભાગ લીધો.
૨૦૦૫ અમેરિકામાં યોજાયેલી વિધાનસભ્યોની નૅશનલ કૉન્ફરન્સમાં ભાગ લીધો.
૨૦૦૬ સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય શિખર પરિષદમાં ડિઝૅસ્ટર કન્ટ્રોલ ઍન્ડ મૅનેજમેન્ટ વિષય પર ભારતની બાજુ રજૂ કરી.
૨૦૦૬ ચીનની રાજધાની બીજિંગમાં નૅચરલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિષય પર પ્રેઝન્ટેશન આપ્યું.
૨૦૦૭ ડેન્માર્કના કોપનહેગનમાં એશિયા અને યુરોપના યુવાન રાજકીય નેતાઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

