ધનંજય મુંડેનું રાજીનામું લેવા વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
ધનંજય મુંડે
રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાને લઈને ગઈ કાલે એક મરાઠી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સંતોષ દેશમુખની હત્યા થયા બાદ આ મામલાની મેં ક્રાઇમ ઇન્વેસ્ટિંગ ડિપાર્ટમેન્ટ (CID) પાસે તપાસ કરાવી હતી. CIDના અધિકારીઓને કહ્યું હતું કે આ મામલામાં કોઈનો પણ હસ્તક્ષેપ નહીં હોય, તમે નિષ્પક્ષ તપાસ કરો. CIDએ સારી રીતે તપાસ કરી. આરોપીના ખોવાઈ ગયેલા મોબાઇલનો ડિલીટ કરવામાં આવેલો ડેટા ફૉરેન્સિક વિભાગે રિકવર કર્યો છે, જેમાંથી હત્યાના ફોટો અને વિડિયો હાથ લાગ્યા છે. પોલીસે કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે એમાં આ ફોટો અને વિડિયો રજૂ કરવામાં આવ્યા છે. મને પણ આરોપનામું દાખલ થયા બાદ પોલીસની તપાસની માહિતી મળી હતી. ધનંજય મુંડેનું રાજીનામું લેવામાં મોડું થયું કે નહીં એમાં હું પડવા નથી માગતો. રાજીનામું ઘટનાના પહેલા દિવસે આપવામાં આવે કે છેલ્લા દિવસે, લોકો બોલાવાના જ છે. જે રીતે હત્યા કરવામાં આવી અને હત્યાનો માસ્ટરમાઇન્ડ જો પ્રધાનની નજીકનો હોય તો પ્રધાને નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ. યુતિની સરકાર છે એટલે નિર્ણય લેવામાં થોડો સમય લાગે છે. મામલાની ગંભીરતા બાબતે ત્રણેય પક્ષો વચ્ચે ચર્ચા થયા બાદ ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું છે.’
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં હત્યાનો માસ્ટરમાઇન્ડ વાલ્મીક કરાડ ધનંજય મુંડેનો નજીકનો માણસ હોવાથી તેમના રાજીનામાની માગણી વિરોધ પક્ષોએ કરી હતી. મંગળવારે ધનંજય મુંડેએ કૅબિનેટના પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.
ADVERTISEMENT
અજિત પવારની પાર્ટીના નેતાએ જે મર્ડરકેસને લીધે રાજીનામું આપવું પડ્યું છે એ જ કેસમાં એકનાથ શિંદેના નેતાઓએ ન્યાય મેળવવા કર્યું વિરોધ-પ્રદર્શન
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં તેના પરિવારને ન્યાય અપાવવાની માગણી સાથે શિવસેનાના કાર્યકરોએ ગઈ કાલે નવી મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ કેસને લીધે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના ધનંજય મુંડેએ પ્રધાનપદેથી રાજીનામુ આપવું પડ્યું છે ત્યારે મહાયુતિમાં સામેલ શિવસેનાના નેતાઓ કોનો વિરોધ કરી રહ્યા છે એવો પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે.

