ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના ફ્લાયઓવરનું BMC સમારકામ કરશે ૨૬.૪૩ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં આવેલા ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના ફ્લાયઓવરનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) અને વીરમાતા જીજાબાઈ ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ (VJTI) દ્વારા કરવામાં આવેલા સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટમાં સમારકામની જરૂર જણાતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ટૂંક સમયમાં છ ફ્લાયઓવરનું સમારકામ હાથ ધરશે. આ કામ માટે BMC દ્વારા ૨૬.૪૩ કરોડ રૂપિયાનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ૨૦૨૨માં BMCને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનું નિયંત્રણ સોંપી દીધું હતું. આ વર્ષની શરૂઆતમાં BMCએ બન્ને હાઇવે પરના ખાડાઓના સમારકામ માટે ૧૪૬ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું. ઉપરાંત બન્ને હાઇવે પરના ફ્લાયઓવર વિશે જાણીતી સંસ્થા દ્વારા સ્ટ્રક્ચરલ ઑડિટ પણ કરવામાં આવ્યું હતું. એમાં IIT દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટ્રક્ચરલ ઑડિટમાં ચેમ્બુરના અન્નાભાઉ સાઠે ફ્લાયઓવર અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના મુલુંડના નવઘર ફ્લાયઓવરનું સમારકામ કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત BMCએ અમરમહલ ફ્લાયઓવર, SCLR ફ્લાયઓવર સાથે વધુ બે ફ્લાયઓવરને સમારકામ માટે શૉર્ટલિસ્ટ કર્યા છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સમારકામ વિશે બોલતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના છ ફ્લાયઓવર માટે VJTIએ સ્ટ્રક્ચરલ ઑડિટ હાથ ધર્યું હતું જે દર્શાવે છે કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના છ બ્રિજ પર સમારકામની જરૂર છે. એથી અમે આ હાઇવેનું નાનું સમારકામ હાથ ધરીશું અને હવે એનાં માટે ટેન્ડર બહાર પાડ્યાં છે.’