વડાલાના BJPના વિધાનસભ્ય કાલિદાસ કોલંબકરને બનાવવામાં આવ્યા પ્રો-ટેમ સ્પીકર, પણ BJP પાસેથી તેમની અપેક્ષા વધારે છે
ગઈ કાલે કાલિદાસ કોલંબકરને ગુલદસ્તો આપીને પ્રો-ટેક સ્પીકર બનવા બદલ અભિનંદન આપતા દેવેન્દ્ર ફડણવીસ.
નવ વખત ચૂંટણી જીતનારા સૌથી સિનિયર વિધાનસભ્યનું કહેવું છે કે વરિષ્ઠ હોવાના નાતે પાર્ટીએ મારી ભાવનાનો આદર કરવો જોઈએ
દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળની સરકારમાં ગઈ કાલે સૌથી સિનિયર વિધાનસભ્ય કાલિદાસ કોલંબકરને પ્રો-ટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. વડાલાથી તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય છે અને આ વખતે નવમી વખત તેઓ ચૂંટાઈને આવ્યા છે.
ADVERTISEMENT
પ્રો-ટેમ સ્પીકર તરીકે તેઓ આજથી શરૂ થતા ત્રણ દિવસના સ્પેશ્યલ સેશનમાં રાજ્યના તમામ ૨૮૮ વિધાનસભ્યોને શપથ લેવડાવશે તેમ જ ફુલટાઇમ સ્પીકરની ચૂંટણી પણ તેમના અધ્યક્ષસ્થાને યોજાશે. જોકે ગઈ કાલે પ્રો-ટેમ સ્પીકરનું પદ સ્વીકાર્યા બાદ તેમણે પોતાની પાર્ટી તેમની કિંમત કરે એવું કહ્યું હતું.
કાલિદાસ કોલંબકરે કહ્યું હતું કે ‘મને પ્રો-ટેમ બનાવવા બદલ હું દેવેન્દ્ર ફડણવીસસાહેબનો આભારી છું. હું મારી આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવીશ. ૨૮૮ વિધાનસભ્યોમાં હું સૌથી સિનિયર વિધાનસભ્ય છું. સિનિયર હોવાના નાતે પાર્ટી મારી ભાવનાનો આદર કરશે. પાર્ટીએ મારી કિંમત કરીને મને સારું પદ આપવું જોઈએ.’
કાલિદાસ કોલંબકર આ પહેલાં નારાયણ રાણેના પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેમને કોઈ પ્રધાનપદ નથી મળ્યું. તેઓ શિવસેના, કૉન્ગ્રેસ અને BJP એમ ત્રણેય પક્ષમાંથી ચૂંટણી લડીને જીત્યા છે. તેઓ નારાયણ રાણેના કટ્ટર સમર્થક છે.

