અનંત અંબાણીના લગ્નસમારંભ માટે મુંબઈ આવેલાં મમતા બૅનરજીએ કહ્યું...
માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે ઍન્ડ ફૅમિલી સાથે તથા શરદ પવાર અને સુપ્રિયા સુળે સાથે મમતા બૅનરજી.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્નમાં સામેલ થવા બુધવારે સાંજે મુંબઈ આવેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના બાંદરા-ઈસ્ટમાં કલાનગરમાં આવેલા નિવાસસ્થાન માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની અને બાદમાં શરદ પવારના સિલ્વર ઓક બંગલામાં જઈને તેમની મુલાકાત કરી હતી. લોકસભાની ચૂંટણી બાદ મમતા બૅનરજી પહેલી વખત મુંબઈ આવ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના દાંત ખાટા કરનારા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત બાદ મમતા બૅનરજીએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીની NDAની સરકાર પાંચ વર્ષ પૂરાં નહીં કરે, કારણ કે આ સરકાર સ્થિર નથી.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં NDA સામે કૉન્ગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથ સહિતના પક્ષોના ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA)ની મુખ્ય લડત થઈ હતી, જેમાં આ અલાયન્સને મહારાષ્ટ્રમાં અનપેક્ષિત સફળતા મળી હતી. મહારાષ્ટ્રની ૪૮ લોકસભા બેઠકમાંથી સત્તાધારી NDAને ૧૭ બેઠક મળી હતી તો INDIAનો ૩૦ બેઠક પર વિજય થયો હતો, જ્યારે એક બેઠક પર કૉન્ગ્રેસમાં બળવો કરનારાનો વિજય થયો હતો. ૪ જૂને લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ પહેલી વખત મમતા બૅનરજી મુંબઈ આવ્યાં હતાં.