વિધાન પરિષદની પાંચ બેઠકો પર નૉમિનેશન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ
સંદીપ જોશી, સંજય કેનેકર, દાદારાવ કેચે
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ખાલી પડેલી પાંચ બેઠક માટે ૨૭ માર્ચે થનારી ચૂંટણી માટે નૉમિનેશન દાખલ કરવાની આજે છેલ્લી તારીખ છે એ પહેલાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. બાકીની બે બેઠકમાં એક પર અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને બાકીની એક સીટ પર એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર આપવાની છે.
BJPએ સંદીપ જોશી, સંજય કેનેકર અને દાદારાવ કેચેને ઉમેદવારી આપી છે. આ ત્રણેયમાં ધ્યાનાકર્ષક નામ સંદીપ જોશીનું છે. તેઓ કૉલેજના દિવસોથી રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મિત્ર છે. તેઓ નાગપુરમાં ચાર વખત નગરસેવક રહી ચૂક્યા છે અને નાગપુરના મેયર પણ હતા. એટલું જ નહીં, ૨૦૨૩થી ૨૦૨૪ દરમ્યાન તેઓ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઑફિસમાં સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. સંજય કેનેકર મરાઠાવાડામાં BJPનો અધર બૅકવર્ડ ક્લાસ (OBC) ચહેરો છે. તેઓ પક્ષના સંગઠનની જવાબદારી સંભાળે છે. અત્યારે પણ તેઓ પાર્ટીના મહારાષ્ટ્ર પ્રદેશના જનરલ સેક્રેટરી છે. આ સિવાય દાદારાવ કેચેએ તો પાર્ટીના આંતરિક સંઘર્ષને લીધે રાજકારણમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. તેઓ ૨૦૧૯માં આર્વી બેઠક પરથી વિધાનસભા જીત્યા હતા. અત્યારે તેઓ પાર્ટીમાં મહારાષ્ટ્ર પ્રદેશના ઉપાધ્યક્ષ છે. આ ત્રણ નામ જાહેર થવાને લીધે ફરી એક વાર પાર્ટીના વરિષ્ઠ નેતા માધવ ભંડારીનું પત્તું કપાઈ ગયું છે. એવું માનવામાં આવતું હતું કે પાર્ટી આ વખતે તેમને તક આપશે, પણ એવું થયું નહીં.
ADVERTISEMENT
અજિત પવાર અને એકનાથ શિંદેએ પોતાની પાર્ટીના એક-એક ઉમેદવારના નામની જાહેરાત ગઈ કાલે મોડી રાત સુધી નહોતી કરી. આ ચૂંટણી બિનવિરોધ થવાની ભારોભાર શક્યતા છે.

