બાંદરામાં બાઇક-ચોર ગૅન્ગ પકડાઈ
ખેરવાડી પોલીસે ઝડપેલા ટૂ-વ્હીલર ચોર.
બાંદરા-ઈસ્ટમાં મ્હાડાની ઑફિસ સામે બાઇક પર આવેલા બે જણે મોબાઇલ ઝૂંટવ્યાની ફરિયાદ ખેરવાડી પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. એ કેસની તપાસ અંતર્ગત પહેલાં બે આરોપીની ધરપકડ કરાઈ હતી. જોકે બાદમાં ટૂ વ્હીલર અને મોબાઇલ ચોરીના કેસમાં સંડાવાયેલા તેમના અન્ય સાગરીતોને પણ ઝડપી લેવાયા હતા અને આમ આખી ગૅન્ગ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી.
ખેરવાડી પોલીસ સ્ટેશનના ક્રાઇમ એપીઆઇ સચિન સૂર્યવંશીએ આ બાબતે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કૅમેરાના ફુટેજ મેળવી એના આધારે એ ચોરી કોણે કરી હતી એ નક્કી થયું હતું. ત્યાર બાદ ખબરી નેટવર્કમાં એ માહિતી આપી આરોપી સાજિદ અન્સારી ઉર્ફ શોએબ અને નાવેદ નદીમ શેખને ઝડપી લીધા હતા. એ પછી તેમની પાસેથી ચોરેલા મોબાઇલ ખરીદનાર અબદુલ્લા સલીમ ખાનને પણ ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરીના અનેક મોબાઇલ પણ મળી આવ્યા હતા.
આરોપીઓની ઝીણવટભરી તપાસ હાથ ધરતાં તેઓ ટૂ-વ્હીલર ચોરીમાં પણ સંડોવાયેલા હોવાનું જણાઈ આવ્યું હતું. ખેરવાડી પોલીસે તેમના સાગરીતો મુદ્દસિર ખાન ઉર્ફ ચિટુ, મોઇન શેખ ઉર્ફ એસકે, મતિન શેખ ઉર્ફ પાપા અને રિઝવાન શેખ ઉર્ફ બેચુની પણ ધરપકડ કરી હતી. આ ટોળકી સામે ખેરવાડી, વાકોલા, બાંદરા, નહેરુનગર, કુર્લા, ધારાવી, ચેમ્બુર પોલીસ સ્ટેશનોમાં ટૂ-વ્હીલર ચોરી, લૂંટ, ચોરી, મોબાઇલ ચોરી જેવી અનેક ફરિયાદો નોંધાઈ છે. ટોળકીને ઝડપી લેતાં હવે અનેક કેસ ઉકેલાઈ ગયા છે.

