મુકેશ અંબાણી અને તેમના પરિવારના કેટલાક સભ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૦.૩૩ ટકા શૅરહોલ્ડર છે.
લાઇફમસાલા
અંબાણી પરિવાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી પુત્ર અનંતના ભવ્યાતિભવ્ય લગ્નોત્સવ માટે હજી પણ ચર્ચામાં છે અને હવે તેમણે અને તેમના પરિવારે માત્ર ડિવિડન્ડમાંથી જ ૩૩૦૦ કરોડ રૂપિયાથી વધુની કરેલી કમાણી લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. અંબાણી પરિવારે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિવિડન્ડથી જ ૩૩૨૨.૭ કરોડની આવક કરી છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારના કેટલાક સભ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૦.૩૩ ટકા શૅરહોલ્ડર છે. તેમની કમાણીનો મોટો હિસ્સો રિલાયન્સમાંથી જ આવે છે. આ જ કારણે અંબાણી પરિવાર એશિયાનો સૌથી શ્રીમંત પરિવાર કહેવાય છે. ‘ફૉર્બ્સ’ના એક અહેવાલ પ્રમાણે તેમની નેટવર્થ ૧૧૩.૫ અબજ ડૉલર છે. જોકે મુકેશ અંબાણી ૪ વર્ષથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી કોઈ પગાર નથી લેતા. તેમણે કોવિડ મહામારી દરમ્યાન આ નિર્ણય લીધો હતો. જોકે કંપની વતીથી તેમને ટ્રાવેલિંગ, હોટેલ, કાર, કમ્યુનિકેશન અને ખાણીપીણી સહિત અનેક પ્રકારના ખર્ચની રકમ મળે છે. આમાં તેમનાં પત્ની નીતા અંબાણી અને સાથી-કર્મચારીઓનો ખર્ચ પણ આવી જાય છે. તેમની બિઝનેસ-ટ્રિપનો બધો ખર્ચ કંપની ઉઠાવે છે. ઉપરાંત કંપની મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષાનો ખર્ચ પણ ઉઠાવે છે.
નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. એ ઉપરાંત ઑગસ્ટ ૨૦૨૩ સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નૉન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હતાં. ૨૦૨૩-’૨૪ માટે સીટિંગ ફી પેટે બે લાખ રૂપિયા અને કમિશન પેટે ૯૭ લાખ રૂપિયા ચૂકવાયા હતા.
ધનિક દંપતીના મોટા પુત્ર આકાશ અંબાણી રિલાયન્સ જિયો ઇન્ફોકૉમના ચૅરમૅન છે. પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રીટેલની મૅનેજિંગ ડિરેક્ટર છે. એ ઉપરાંત તે જિયો ઇન્ફોકૉમના બોર્ડમાં પણ છે. નાનો પુત્ર અનંત જિયો પ્લૅટફૉર્મ, રિલાયન્સ રીટેલ, રિલાયન્સ ન્યુ એનર્જી અને રિલાયન્સ ન્યુ સોલર એનર્જીના ડિરેક્ટર છે એટલે એ બધાં પગાર લે છે.