જ્યાં કોઈ નહોતું એવા ટ્રાફિક આઇલૅન્ડ પર બસ ચડાવીને એને અટકાવી
જે બસની બ્રેક ફેલ થઈ તે બસ
ગ્રાન્ટ રોડમાં ગઈ કાલે મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ હતી. બેસ્ટની બસની બ્રેક ફેલ થયાની જાણ થયા બાદ બસ-ડ્રાઇવરે સાવધાનીપૂર્વક બસ રોકવા જ્યાં કોઈ નહોતું એવા ફુટપાથ જેવા નાના ટ્રાફિક આઇલૅન્ડ પર બસ ચડાવી દીધી અને બસ અટકાવી દીધી હતી અને આમ બસના પૅસેન્જરો અને રાહદારીના જીવ બચાવવામાં તેણે સાવચેતી વાપરી હતી.
આ ઘટના ગઈ કાલે સવારે ૧૦.૫૫ વાગ્યે ગ્રાન્ટ રોડના ઑગસ્ટ ક્રાન્તિ મેદાન સામે થઈ હતી. ગ્રાન્ટ રોડ સ્ટેશનથી સર્ક્યુલર રૂટ નંબર ૧૫૫ની બસ મુંબઈ સેન્ટ્રલથી આવી રહી હતી ત્યારે ઑગસ્ટ ક્રાન્તિ મેદાન પાસે ડ્રાઇવરને જાણ થઈ કે બસની બ્રેક ફેલ થઈ ગઈ છે. તેણે સાવધાનીપૂર્વક બસ હંકારીને નજીકના એક નાના ટ્રાફિક આઇલૅન્ડ પર ધીમેકથી બસ ચડાવી દીધી હતી અને બસ અટકી ગઈ હતી. જોકે આ ઘટનામાં ત્યાં ઊભેલી એક ટ્રક સાથે અથડાતાં એને સહેજ નુકસાન થયું હતું, પણ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બસના પૅન્સેન્જર કે કોઈ રાહદારી આ ઘટનામાં ઘાયલ થયું નહોતું.