પાંચ નંબરના ગેટ પાસે બનનારું આ મેમોરિયલ ત્રીજી ડિસેમ્બરે લોકાર્પણ થશે
સચિન તેન્ડુલકર અને તેના દિવંગત ગુરુ રમાકાંત આચરેકર
સચિન તેન્ડુલકરના દિવંગત ગુરુ રમાકાંત આચરેકરને દાદરમાં આવેલા શિવાજી પાર્ક મેદાન સાથે ખૂબ લગાવ હતો. અહીં જ તેમણે સચિન તેન્ડુલકર, વિનોદ કાંબળી, પ્રવીણ આમરે અને ચંદ્રકાંત પંડિત જેવા ખેલાડીઓને ક્રિકેટની તાલીમ આપી હતી. મહારાષ્ટ્ર સરકારે દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા રમાકાંત આચરેકરની યાદમાં સ્મારક બનાવવાની માન્યતા આપી છે. આથી શિવાજી પાર્કના પાંચ નંબરના ગેટ પાસે રમાકાંત આચરેકરનું સ્મારક બનાવવામાં આવશે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ રમાકાંત આચરેકર મેમોરિયલનું બાંધકામ કરવાની સાથે અહીં તેમનું પૂતળું ઊભું કરવાની જવાબદારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનરને આપવામાં આવી છે. આ કામ એક પણ ઝાડને નુકસાન કર્યા વિના કરવાનું રહેશે તેમ જ શિવાજી પાર્કમાં બાંધકામ કરવા માટેની જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. એટલું જ નહીં, સ્મારક બની ગયા બાદ એની દેખભાળ કરવાની જવાબદારી બી. વી. કામથ મેમોરિયલ ક્લબની રહેશે.
રમાકાંત આચરેકરનું સ્મારક ત્રીજી ડિસેમ્બરે તેમના જન્મદિવસે લોકાર્પણ કરવામાં આવશે. રમાકાંત આચરેકરનું ૨૦૧૯ની બીજી જાન્યુઆરીએ ૮૭ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
આચરેકર સરનો મારા સહિત અન્ય લોકો પર જીવનભર ખૂબ પ્રભાવ રહ્યો છે. હું તેમના બધા ખેલાડીઓ વતી બોલી રહ્યો છું. તેમનું જીવન ક્રિકેટને અને એ પણ શિવાજી પાર્કની ક્રિકેટને સમર્પિત હતું. કાયમ શિવાજી પાર્કમાં રહેવાની તેમની ઇચ્છા હતી જે હવે પૂરી થશે. આચરેકર સરનું સ્મારક જન્મસ્થળે ઊભું કરવાના રાજ્ય સરકારે લીધેલા નિર્ણયથી મને ખૂબ આનંદ થયો છે. - સચિન તેન્ડુલકર