લાંબા સમયથી ઠેલાતી માગણીઓ મનાવવા નીકળી પડ્યા છે પગપાળા, ત્રીજી ફેબ્રુઆરીએ પહોંચશે
હજારોની સંખ્યામાં ખેડૂતો અને આદિવાસીઓએ મુંબઈ તરફ કૂચ કરી હતી.
ખેડૂતો અને આદિવાસીઓએ તેમની લાંબા સમયની માગણીઓ અને પ્રલંબિત સમસ્યાઓના નિરાકારણ માટે નાશિકથી મુંબઈ પગપાળા મોરચો કાઢ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ની સાથે જોડાયેલા અખિલ ભારતીય કિસાન સભા અને મહારાષ્ટ્ર રાજ્ય કિસાન સભાના નેજા હેઠળ આ મોરચો ૨૬ જાન્યુઆરીએ દિંડોરીથી નીકળ્યો છે જે ૩ ફેબ્રુઆરીએ મુંબઈ આવી પહોંચશે.
આ મોરચાની શરૂઆત દિંડોરી તાલુકાના સંસ્કૃતિ લૉન્સમાંથી થઈ હતી. ગઈ કાલે મોરચો નાશિકમાંથી પસાર થયો હતો. આખો મોરચો શિસ્તબદ્ધ રીતે કોઈ પણ ધમાલ કર્યા વગર આગળ વધી રહ્યો છે. ગઈ કાલે નાશિકમાં એ મોરચો ૩ કિલોમીટર લાંબો થઈ ગયો હતો.
ADVERTISEMENT
આંદોલનકારીઓના કહેવા મુજબ આ આંદોલનના મુદ્દા ફક્ત આર્થિક સ્વરૂપના જ નથી પણ તેમના અસ્તિત્વ સાથે જોડાયેલા છે; તેમને વર્ષોથી ફક્ત આશ્વાસન જ મળી રહ્યાં છે, કોઈ નક્કર અમલબજાવણી થતી નથી એટલે તેમણે આ મોરચો કાઢ્યો છે.
આંદોલનકારીઓની મુખ્ય માગણીઓ કઈ?
અનેક પેઢીથી વનજમીન પર ખેતી કરતા આદિવાસીઓને એ જમીનના કાયદેસરની માલિકીના આપવામાં આવે.
વનજમીન અને ગોચરની જમીન ખેડનારા ખેડૂતોને અલગથી ૭/૧૨નો દાખલો આપવામાં આવે.
પશ્ચિમ તરફ વહી જતી નદીઓના પાણીને રોકીને આદિવાસીઓ અને દુકાળગ્રસ્ત ભાગના ખેડૂતોને આપવામાં આવે.
એજ્યુકેશનનું પ્રાઇવેટાઇઝેશન રોકવામાં આવે અને ખેડૂતોને તેમની ઊપજના ટેકાના ભાવ મળે.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ખેડૂતોની માગણીઓને લઈને જે મોરચો નીકળ્યો છે એ સંદર્ભે અમે સિંગલ મેમ્બરની એક સમિતિ બનાવી છે, એટલું જ નહીં, એ સમિતિને ચર્ચા કરીને નિર્ણય લેવાનો અધિકાર પણ આપ્યો છે. એ સમિતિ ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી રહી છે. ખેડૂતોની સમસ્યાઓનો સન્માનજનક ઉકેલ લાવવામાં આવશે. આદિવાસીઓની બાબતે પણ સરકાર સકારાત્મક જ રહેશે.


