ઝોમાટોના દીપિન્દર ગોયલનો ચોંકાવનારો આક્ષેપ- ઝોમાટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલ આ કયું ડિવાઇસ લગાવીને આવ્યા પૉડકાસ્ટમાં?
દીપિન્દર ગોયલ
ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સની વાત ચાલી રહી છે ત્યારે ઝોમાટોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર દીપિન્દર ગોયલનો એક ઇન્ટરવ્યુ પણ ચર્ચામાં છે. રાજ શમાની નામના વિખ્યાત પૉડકાસ્ટર સાથેની વાતચીતમાં દીપિન્દર ગોયલે કસ્ટમરોની ગજબ ચીટિંગ વિશે વાત કરી છે. ગ્રાહકો રીફન્ડ મેળવવા કે ફ્રીમાં ફૂડ મેળવવા કેવા-કેવા ફ્રૉડ કરે છે એની વાત કરતાં દીપિન્દર કહે છે, ‘અપના બાલ નિકાલા ઔર રખ દિયા... અને પછી કહે કે મેરે ખાને મેં બાલ હૈ, આજકાલ તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે AIથી ઇમેજ બનાવી શકાય છે એટલે લોકો ફૂડ પર માખી કે બીજું કોઈ જીવડું કે નખ દેખાડી દે છે અને ફરિયાદ કરે છે. કેક સાજીનરસી ઘરે પહોંચી હોય તો પણ કેટલાક લોકો AIની મદદથી એવું દેખાડે છે કે એ સ્મૅશ થઈને આવી છે.’ રાજ શમાનીએ જ્યારે પૂછ્યું કે આ બધું રોકવાનો ઉપાય શું ત્યારે દીપિન્દર ગોયલે કહ્યું કે અમારી પાસે એનું કોઈ સૉલ્યુશન નથી.
ઝોમાટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલ રાજ શમાનીના પૉડકાસ્ટમાં લમણે સિલ્વર કલરનું એક ડિવાઇસ લગાડીને આવ્યા હતા. દીપિન્દર ગોયલે આ ડિવાઇસની પહેલી ઝલક થોડા સમય પહેલાં ઑનલાઇન આપી દીધી હતી અને લખ્યું હતું, ‘ટેમ્પલ, કમિંગ સૂન.’ એટલે કે આ ડિવાઇસનું નામ ટેમ્પલ આપવામાં આવ્યું છે (અંગ્રેજી શબ્દ templeનો અર્થ મંદિર ઉપરાંત લમણું પણ થાય છે) જે સ્પેશ્યલ હેલ્થ-ટેક ડિવાઇસ છે. ડીપ-ટેક અને મેડિકલ રિસર્ચના કૉમ્બિનેશનથી આ ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું છે જે મગજમાં બ્લડ-ફ્લોનું રિયલ ટાઇમ મૉનિટરિંગ કરે છે. આ ડિવાઇસ ગ્રૅવિટી એજિંગ હાઇપોથીસિસના રિસર્ચ સાથે જોડાયેલું છે, જેનો મુખ્ય સંશોધન-વિષય એવો છે કે ગ્રૅવિટી અને ન્યુરોલૉજિકલ ફૅક્ટર્સ માણસના વૃદ્ધત્વમાં કેવી અસર કરે છે. આવા હાઇપોથીસિસના સઘન અભ્યાસ માટે ટેમ્પલ જેવું ડિવાઇસ ગ્રાઉન્ડ-બ્રેકિંગ માનવામાં આવે છે. આ ડિવાઇસ બ્રેઇનનો બ્લડ-ફ્લો, મેમરી, ફોકસ, સ્ટ્રેસ અને મેન્ટલ ફટીગ સહિતની મગજની હલચલોને મૉનિટર કરે છે. જોકે હજી સુધી ટેમ્પલના લૉન્ચિંગની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે ન તો એ માટેનો રોડમૅપ જાહેર કરવામાં આવ્યો, પણ દીપિન્દર ગોયલે આ ડિવાઇસ પહેરીને પૉડકાસ્ટમાં એન્ટ્રી લીધી એ એક રીતે તેમનો આ પ્રયોગ ઍડ્વાન્સ સ્ટેજમાં હોવાનું કહી જાય છે.


